કારલાઈલ રૂ.3700 કરોડમાં પિરામલના ફાર્મા બિઝનેસનો 20 ટકા હિસ્સો ખરીદશે

મુંબઈ, તા. 27 : વિશ્વની અગ્રણી પ્રાઇવેટ ઈકવિટી કંપની કારલાઈલ અજય પિરામલ હસ્તક પિરામલ ગ્રુપના ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો રૂ.3700 કરોડમાં ખરીદશે.  
કારલાઈલ ગ્રુપની સીએ ક્લોવર ઇન્ટરમીડિયેટ્સએ પિરામલ ફાર્મા લિમિટેડમાં 20 ટકા શેરહિસ્સો ખરીદવાની  તૈયારી દર્શાવી છે. પિરામલ ફાર્મા એ પિરામલ એન્ટરપ્રાઈસિસની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે.  
પિરામલ એન્ટરપ્રાઈસની 26મી જૂને મળેલી બોર્ડની બેઠકમાં તેના ફાર્મા બિઝનેસનો 20 ટકા શેર રૂ.3705.8 કરોડમાં વેચવાનો નિર્ણય લીધો હતો. કંપનીએ આ વિશે લીધેલા નિર્ણયની જાણ શેરબજારને શનિવારે કરી હતી.   નવી ઈકવિટી વેચાણ દ્વારા આ શેરહિસ્સાના  વેચાણની પ્રક્રિયા પાર પડશે, એમ કંપનીએ જણાવ્યું છે. જોકે, આ સોદાને આખરી મંજૂરી મળે ત્યારે કારલાઈલનું વાસ્તવિક રોકાણ તેના કુલ કરજ, એક્સચેન્જ રેટ અને અન્ય બાબતોના આધારે ઉક્ત રકમથી જુદી  હોઈ શકે. 
કંપની આ શેરહિસ્સાનાં વેચાણ દ્વારા મળનારી રકમનો ઉપયોગ ફાર્મા બિઝનેસના વિકાસ અને વિસ્તરણ માટે કરશે અને ભારતમાં અને વિદેશમાં આકર્ષક એકવિઝિશનની તકો ઝડપી લેશે, એમ કંપનીએ જણાવ્યું છે.   કંપનીના ફાર્મા બિઝનેસે માર્ચ 20 માં પુરા થયેલા નાણાં વર્ષ દરમિયાન રૂ.5419 કરોડની આવક કરી હતી જે કંપનીની કુલ આવકમાં 41 ટકા હિસ્સો ધરાવે છે. 30મી જુલાઈએ કંપનીની મળનારી એજીએમમાં ફાર્મા કંપનીનું સૂચિત પેટા કંપની પીપીએલમાં રૂપાંતર કરવા માટે શેરધારકોની મંજૂરી લેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer