મુંબઈમાં કોરોનાના 1510 દરદી વધ્યા

મુંબઈમાં કોરોનાના 1510 દરદી વધ્યા
મુંબઈ, તા. 30 : મુંબઈમાં શનિવારે કોરોનાના વધુ 1510 દરદીઓનો ઉમેરો થયો છે. આ સાથે મુંબઈમાં કુલ દરદીઓની સંખ્યા 38,220 થઈ છે. મુંબઈમાં વધુ 54 દરદીઓના મૃત્યુ થતાં કુલ મરણાંક 1227 થયો છે. મુંબઈમાં શનિવારે વધુ 356 દરદીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ધારાવીમાં 18 દરદી ઉમેરાતા અત્યાર સુધીના કેસોની સંખ્યા 1733 થઈ છે. 
શનિવારે દાદરમાં 15 અને માહિમમાં 41 કેસ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 2940 દરદીઓ વધ્યા છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા 34,881 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી વધુ 99 જણાના મૃત્યુ નીપજ્યા છે. કોરોનાના વધુ 1084 દરદીઓ સાજા થઈને ઘરે ગયા છે.અ ા સાથે અત્યાર સુધીમાં સાજા થયેલા દરદીઓની સંખ્યા 28,081 પહોંચી છે.
ઘાટકોપરમાં શનિવારે વધુ 129 દરદીઓ ઉમેરાતા ત્યાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 1616 ઉપર પહોંચી છે. ઘાટકોપરમાં કોરોનાથી બે જણાંના મરણ નીપજ્યા છે.
મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા બમણી થવાનો સમયગાળો હવે 13 દિવસથી વધીને 16 દિવસ થયો છે. મુંબઈના 24માંથી છ વોર્ડોમાં દરદીઓની સંખ્યા બમણી થવાની ઝડપ 20 દિવસ જેટલી છે.
ઈ, એફ (ઉત્તર), જી (દક્ષિણ), જી (ઉત્તર), એચ (પૂર્વ) અને એમ (પૂર્વ) વોર્ડોમાં દરદીઓ બમણી થવાની ઝડપ 20 દિવસ છે. અગાઉ જી(દક્ષિણ), જી(ઉત્તર) અને એમ(પૂર્વ) વોર્ડ કોરોનાના હોટસ્પોટ અર્થાત મોટી સંખ્યામાં દરદી મળે એવો વોર્ડ તરીકે જાણીતા થયા હતા.
મલબાર હિલ - ગ્રાંટ રોડનો સમાવેશ કરતાં `ડી' વોર્ડમાં 19 દિવસ, કોલાબા - ચર્ચગેટનો સમાવેશ કરતાં `એ' અને કુર્લાનો સમાવેશ કરતાં `એલ' વોર્ડમાં 17 દિવસ, અંધેરી (પશ્ચિમ)નો સમાવેશ કરતાં કે(પશ્ચિમ) વોર્ડમાં 18 દિવસ તેમજ ડોંગરી - મસ્જિદનો સમાવેશ કરતાં `બી' વોર્ડમાં 16 દિવસમાં દરદીઓની સંખ્યા બમણી થઈ જાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer