મુંબઈ-પુણેમાં લોકડાઉનમાં રાહતની અપેક્ષા નથી : ઉદ્ધવ ઠાકરેનો સંકેત

મુંબઈ-પુણેમાં લોકડાઉનમાં રાહતની અપેક્ષા નથી : ઉદ્ધવ ઠાકરેનો સંકેત
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 30 : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સંકેત આપ્યો હતો કે મહારાષ્ટ્રમાં ખાસ કરીને કોરોનાના હોટસ્પોટ બનેલા મુંબઇ અને પુણે જેવા મહાનગરો લોકડાઉનમાં જ રહેશે, જો કે રવિવારે લોકડાઉન-4 સમાપ્ત થયા પછી, લોકડાઉનના પાંચમા તબક્કામાં થોડી વધુ રાહતો જાહેર થઈ શકે છે.  
કેટલાક અખબારોના સંપાદકો સાથેની વિડિયો કેન્ફરન્સિગમાં ઠાકરેએ જણાવ્યું હતું કે આગામી 15 દિવસ દરેકને સાવચેત રહેવાની જરૂર છે. કોવિડ -19 સામેની લડતમાં આવતું પખવાડિયું નિર્ણાયક બનશે.  રાજ્ય સરકાર તેના નવા નિયમો અને છૂટછાટોની રૂપરેખા બનાવશે અને એકવાર કેન્દ્ર દ્વારા સપ્તાહના અંતમાં લોકડાઉન સંબંધી જાહેરાતો થશે એની સાથે સુસંગત રહીને જાહેરાતો કરાશે. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં એકંદરે કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને મૃત્યુદર નીચે આવી ગયો છે, પરંતુ ઉમેર્યું હતું કે હજી કેસોની સંખ્યા એક નિશ્ચિત વળાંક પર છે, હાલમાં મુંબઇ અને પૂણેમાં કેસોની સંખ્યા શિખરે છે, તે હવે ઘટાડા તરફ આવશે. આપણે અહીંથી કેવી રીતે આગળ વધવું તે મહત્વપૂર્ણ છે.  
ચીન અને કેરળમાં હવે ચેપનો બીજો તબક્કો જોવા મળી રહ્યો છે એનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીનો અનુભવ એવો થયો છે કે એકવાર ગ્રાફ હળવો થઈ જાય, પછી બીજો તરંગ આવે છે.  શું આપણી પાસે આવનારા તરંગ કેટલા મજબૂત હશે, તે એક પ્રશ્ન છે. 
જૂનમાં વરસાદ શરૂ થયા બાદ ચોમાસાને લગતી બીમારીઓ કોરોનાની બીમારીઓ સાથે મુશ્કેલીમાં વધારો કરશે તેવું પૂછતાં,  ઠાકરેએ હળવી ભાષામાં કહ્યું હતું કે આજકાલ કોઈપણ કોઈની સાથે સહયોગ કરી શકે છે. પછી, તેમણે ઉમેર્યું,  હતું કે દરેકને કાળજી લેવી પડશે કે ચોમાસા દરમિયાન વહીવટી મશીનરી પર વધુ ભાર ન પડે. ઠાકરેએ કહ્યું કે વાયરસથી જીવવાનું શીખવાની ઘણી વાતો થઈ છે.  પરંતુ તે કેવી રીતે કરવું તે સ્પષ્ટ કરવું પડશે અને મીડિયાએ આ સંદર્ભે જાગૃતિ લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવવી પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer