62 ટકા મુંબઈગરાં તત્કાળ લોકલમાં પ્રવાસ કરવાના મૂડમાં નથી

62 ટકા મુંબઈગરાં તત્કાળ લોકલમાં પ્રવાસ કરવાના મૂડમાં નથી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.30: એક લોકપ્રિય ટ્રાન્સપોર્ટ એપ દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેક્ષણમાં જણાયું છે કે જો લોકલ ટ્રેનો શરૂ થાય તો પણ લગભગ 62 ટકા પ્રવાસીઓ આગામી બેથી ત્રણ મહિના સુધી લોકલમાં પ્રવાસ કરવાના મૂડમાં નથી. બાકીના 38 ટકાએ કહ્યું હતું કે લૉકડાઉન પૂરો થતાં લોકલ ટ્રેનો શરૂ થાય કે તરત તેઓ તેમાં પ્રવાસ કરશે.  
 એમ-ઈન્ડીકેટર દ્વારા યોજાયેલા સર્વેક્ષણમાં પ6000 લોકોએ ભાગ લીધો હતો. તેમન પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો લૉકડાઉન ખૂલી જાય તો તમે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરશો? 38.4 ટકા લોકોએ કહ્યુ હતું કે હા, અમે તત્કાળ પ્રવાસ કરીશું. જ્યારે 61.6 ટકા પ્રવાસીઓએ કહ્યું હતું કે અમે લોકલ શરૂ થયાના બે ત્રણ મહિના પછી એમાં પ્રવાસ કરીશું. 
 આ પરિણામ દર્શાવે છે કે મુંબઈમાં કોરોનાની કેટલી ગંભીર સ્થિતિ છે. મોટા ભાગના લોકોને લાગે છે કે લોકલ ટ્રેનોમાં સોસિયલ ડીસ્ટંસીંગ અશક્ય છે.મુંબઈની લોકલ વિશ્વમાં સૌથી ગીરદીવાળી ટ્રેન ગણાય છે .2000 ઉતારૂની ક્ષમતાવાળી લોકલમાં સવાર સાંજ ધસારાના સમયે 4000 લોકો પ્રવાસ કરે છે. દર ચોરસ મીટર જગ્યામાં 14 થી 16 લોકો ઊભાં ઊભાં પ્રવાસ કરે છે.  
એમ-ઈન્ડીકેટરનાં સ્થાપક સચીન ટેકેએ કહ્યું હતું કે કોરોના મહામારીના સમયમાં લોકો ટ્રેનનો પ્રવાસ કરવા સંબંધમાં શું વિચારે છે તે જાણવા આ સર્વે કર્યો હતો. જેથી રેલવે સત્તાવાળા પણ લોકલ શરૂ કરવા માટે યોગ્ય નિર્ણય લઈ શકે.  
 મધ્ય રેલવેના ભૂતપુર્વ જનરલ મેનેજર સુબોધ જૈને કહ્યુ હતું કે સર્વેમાં ભાગ લેનારાઓનાં પ્રોફાઈલ જાણ્યા વિના એના પર ટિપ્પણી કરી શકાય નહીં પરંતુ કોરોના વિશે વ્યાપેલા ભયને કારણે તેમણે નકારમાં મત આપ્યો છે. જે લોકો ઘરેથી કામ કરી શકે છે તેઓ દેખિતી રીતે ઈચ્છશે કે ટ્રેનો ચાલુ ન થાય, ટ્રેનો શરૂ થતાં જ તેમને ઓફિસે જવું પડશે.જો કે લોકલમાં સોસિયલ ડીસ્ટંસીંગ અશક્ય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer