મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક પૅકેજ જાહેર કરશે : અજિત પવાર

મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક પૅકેજ જાહેર કરશે : અજિત પવાર
મુંબઈ, તા. 30 : નાણાં મંત્રાલયનો અખત્યાર સાંભળતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું છે કે રાજ્યની નબળી આર્થિક સ્થિતિ છતાં ગરીબ નાગરિકો અને અસંગઠિત  સેકટર્સને મદદ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં આર્થિક પેકેજ જાહેર કરશે.  
રાજ્યનું પ્રધાન મંડળ સમક્ષ આ વિશે પ્રસ્તાવ રજૂ થશે અને તેને સત્વરે મંજૂરી આપવામાં આવશે, એમ સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું. પવારે સૂચિત પેકેજની વિગતો જાહેર કરી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ગરીબ મજૂરો, કામદારો, સ્થળાંતરીત શ્રમિકો, ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર સાથે ઔદ્યોગિક એકમોને આ પેકેજમાં આવરી લેશે.  
લોકડાઉનના કારણે ગ્રામીણ અર્થતંત્ર અને ગરીબ નાગરિકોને સૌથી માઠી અસર પડી છે. સ્થિતિમાં  સુધારો થાય ત્યાં સુધી તેમને સીધો લાભ પહોંચાડવા માટે વેબ આધારિત આધાર, પીડીએસ અને એસઇસીસીના ડેટાની સહાય લેવામાં આવશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.  
કૃષિ ક્ષેત્ર માટે રાજ્ય સરકાર નાબાર્ડની મદદ લઇ લાંબા ગાળા માટે છ ટકાના વ્યાજ દરે સિંચાઇ લોન ફાળવશે અને પાક લોન માટે ચાર ટકાની વ્યાજ માફી યોજના જાળવી રાખશે. ગ્રામિણ માગને વધારવા માટે રાજ્ય સરકાર મનરેગાના કર્યો ઉઓર વિશેષ ધ્યાન આપશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.  
ઉદ્યોગો માટે રાહતના દરે વીજળી અને પાણી  તેમજ મૂડી ખર્ચમાં રાહત આપવાના પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer