ચોથા ત્રિમાસિકનો જીડીપી વૃદ્ધિ દર ધારણાથી બહેતર : ઍનલિસ્ટ્સ

ચોથા ત્રિમાસિકનો જીડીપી વૃદ્ધિ દર ધારણાથી બહેતર : ઍનલિસ્ટ્સ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 30 : નાણાં વર્ષ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર ધારણા કરતા બહેતર રહ્યો હોવાનો મત એન્લલિસ્ટ્સે વ્યક્ત કર્યો છે.  
મોતીલાલ ઓસવાલના ચીફ ઇકોનોમિસ્ટ નિખિલ ગુપ્તાએ જણાવ્યું કે ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો 1.2 ટકા રહેશે એવી અમારી ધારણા હતી પરંતુ વાસ્તવિક વિકાસ દર 3.1 ટકા આવ્યો છે. જે ત્રીજા ત્રિમાસિક ગાળાના 3.5 ટકાના વિકાસ દરથી સહેજ ઓછો આવ્યો છે. નાણાં વર્ષ 2020ના પહેલાથી ત્રીજા ગાળાનો જીડીપી દર અનુક્રમે 5.4 ટકા, 4.8 ટકા અને 4.5 ટકાથી સુધારીને અનુક્રમે 4.8 ટકા, 4.3 ટકા અને 3.5 ટકા કરવામાં આવ્યો છે, એમ તેમને જણાવ્યું હતું. એકંદરે કૃષિ અને રાજકોશીય ખર્ચની બાબતે વિકાસ દર ધારણા કરતા બહેતર રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  
એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ ડો. જોસેફ થોમસે જણાવ્યું કે બીજા અને ત્રીજા ગાળામાં અર્થતંત્ર મંદ પડવાના સંકેતો હતા તે ચોથા ગાળામાં 3.1 ટકાના જીડીપી સાથે સ્પષ્ટ થયા છે. આ ગાળાના આંકડા મહત્ત્વના છે કારણકે તેની ઉપર લોકડાઉનની અસર અને તેનાથી અર્થતંત્રમાં માગમાં વિપરીત અસર જોવા મળશે. તેના આધારે ઉત્પાદનમાં ઘટ અને રોજગારની માત્રનું પણ આકલન કરી શકાશે, એમ થોમસે જણાવ્યું હતું. હવે પછીના ત્રિમાસિકમાં જીડીપીનું સાચું ચિત્ર જોવા મળશે. નવા નાણાં વર્ષના પહેલા ત્રિમાસિકમાં જીડીપી હજી વધુ નીચો જોવા મળી શકે, એમ તેમણે ઉમેર્યું હતું.  
મિલવુડ કેન ઇન્ટરનેશનલના સીઈઓ નિશ ભટ્ટે જણાવ્યું કે અનર્ક સમીક્ષકોની ધારણાથી બહેતર 3.1 ટકાનો જીડીપી દર જોવા મળ્યો છે. સમગ્ર નાણાં વર્ષનો જીડીપી દર 4.2 ટકા રહ્યો છે જે નાણાં વર્ષ 2019માં 6.1 ટકા રહ્યો હતો.  અઢી માસના લોકડાઉન બાદ માગ નીકળી રહી છે. અર્થતંત્ર ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે સારા ચોમાસાની આગાહી કરી છે. તેથી કૃષિ ક્ષેત્રને લાભ થશે તો જીડીપી દર સુધરશે એવી અપેક્ષા રાખી શકાય, એમ ભટ્ટે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer