આખરે એક મહિને શાહરુખ ખાનની અૉફિસમાં કોવિડ-19 આઇસોલેશન સેન્ટર શરૂ થયું

આખરે એક મહિને શાહરુખ ખાનની અૉફિસમાં કોવિડ-19 આઇસોલેશન સેન્ટર શરૂ થયું
મુંબઈ, તા, 30 : શાહરૂખ ખાને એની ખારમાં આવેલી ચાર માળની અૉફિસ ક્વૉરન્ટાઇન સેન્ટર શરૂ કરવા મુંબઈ મહાપાલિકાને આપી હતી. જોકે એક મહિના બાદ છ દરદીઓને ખારના સી.ડી. માર્ગ પરના દીપવન બિલ્ડિગમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી એક પણ હાઇ રિસ્ક કોન્ટેક્ટ કે કોવિડ-19 દરદીને ગુરૂવાર સાંજ સુધીમાં ખસેડવામાં આવ્યો નહોતો. 
સ્ટાર કપલે 24 એપ્રિલે કેન્દ્ર અને રાજ્ય સરકારને મહામારી  સામેની લડતમાં સહાય કરવા તેમની અૉફિસને કોવિડ-19ના દરદીઓને સારવાર માટેની ક્વૉરન્ટાઇન સુવિધા માટે આપવાની જાહેરાત કરી હતી. શાહરૂખ ખાનના મીર ફાઉન્ડેશને અૉફિસને 22 બેડ ધરાવતા કોવિડ-19ના ક્વૉરન્ટાઇન સેન્ટરમાં ફેરવ્યું હતું. આ સેન્ટરના સંચાલન માટે પાલિકાએ ખારની હિન્દુજા હોસ્પિટલ સાથે સહયોગ કર્યો છે. હિન્દુજા ડૉક્ટરની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ પૂરો પાડશે.  સેન્ટર જ્યારે પાલિકાને સુપરત કર્યું ત્યારે સંયુક્તપણે નિરીક્ષણ કર્યા બાદ અમે અમુક ફેરફાર કરવા જણાવ્યું હતું. જેમાં દરેક માળ પર દરવાજા, વૉટર ફિલ્ટર્સ, ટેમ્પરરી ટોઇલેટ્સ બાંધવા, દરેક રૂમમાં ચેન્જિગ રૂમ પૂરા પાડવા, ગીઝર અને દરદીઓ માટે બેડ પૂરા પાડવા જણાવ્યું હતું. પરંતુ લૉકડાઉનને કારણે મજૂરો મેળવવામાં મુસીબત પડી હતી.  સમગ્ર સેન્ટરનું કામ તાજેતરમાં પૂરૂં થયુ હોવા છતાં ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફના અભાવે શરૂ થઈ શક્યું નહોતું. અમે સેન્ટર ચલાવવા સ્થાનિક હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. પરંતુ લીલાવતિ અને હૉલિ ફૅમિલી હોસ્પિટલ તેમના કોવિડ-19 સેન્ટર ચલાવી રહ્યા છે. એટલે અમે હિન્દુજાનો સંપર્ક કર્યો. તેઓ સ્ટાફ પૂરો પાડવાની તૈયારી દાખવી એટલે તેમની સાથે ટર્મ્સ-કન્ડિશન્ડ નક્કી કર્યા બાદ સેન્ટર 28 માર્ચથી શરૂ કરવામાં આવ્યું. સેન્ટર શરૂ થતાં પાલિકાએ સોશિયલ મીડિયા પર સ્ટાર કપલનો આભાર માન્યો હતો. 
જોકે સ્થાનિક નગરસેવક આરિફ ઝકરિયાએ જણાવ્યું કે, પાલિકા બીકેસીસ્થિત એમએમઆરડીએમાં 1000 બેડનું સેન્ટર ત્રીસ દિવસ કરતા ઓછા સમયમાં શરૂ કર્યું, પરંતુ 22 બેડના સેન્ટરને શરૂ કરતા 40 દિવસ લાગ્યા એ માન્યામાં ન આવે એવી બાબત છે. આ દર્શાવે છે કે પાલિકા મહામારી ગંભીરતાથી લેતી નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer