જોગેશ્વરીની હૉસ્પિટલમાં અૉક્સિજનના ઓછા દબાણથી બે સપ્તાહમાં 12 દરદીનાં મૃત્યુ

મુંબઈ, તા.30: જોગેશ્વરીની પાલિકા સંચાલિત હોસ્પિટલમાં કોવિદ-19 ના દરદીઓને ઓક્સીજનનો પૂરતો પુરવઠો નહીં મળતાં બે સપ્તાહમાં જ 12 જણનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું હોસ્પિટલનાં તબીબોએ જણાવ્યું હતું. 
ડૉકટરોએ ઓક્સીજનના પુરવઠા અંગે વારંવાર ફરિયાદો કરી હતી પરંતુ કોઈ પગલાં નહીં લેવાતાં જોગેશ્વરીની આ એચબીટી ટ્રોમા સેન્ટરના ડૉકટરોએ મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ વિધા માનેને પત્ર લખીને જણાવ્યું છે કે આઈસીયુમાં થયેલા આ મૃત્યુ માટે અમને જવાબદાર ઠેરવવામાં નઆવે. તેમણે એમ પણ જણાવ્યું છે કે દરદીઓને શ્વાસ લેવા તડપતાં તડપતાં મૃત્યુ પામતા જોઈને અમારી માનસિક હાલત ખરાબ થઈ રહી છે.  
200 બેડની આ હોસ્પિટલમાં લગભગ 90 ટકા દરદીઓને ઓક્સીજનની જરૂર પડે છે. આઈસીયુમાંના 2પ બેડમાંથી 1પ બેડ ઉપરના મશીનમાં ઓકસીજનનું દબાણ ઓછું દર્શાવતું હતું ,એમ નામ નહીં આપવાની શરતે એક રેસીડેન્ટ ડૉકટરે જણાવ્યું હતું.  
અન્ય એક રેસીડેન્ટ ડૉકટરે જણાવ્યુ હતું કે ગત સપ્તાહમાં હું આઈસીયુ ડ્યુટી પર હતો.બે દરદી શ્વાસ લેવા તડપતા હતા, તેમને દર મિનિટે 8 થી 10 લિટર ઓક્સીજન લેવાની જરૂર હતી પણ દબાણ ઘણું ઓછું હતું જે ક્રીન પર સતત દર્શાવાતું હતું . મેં હોસ્પિટલના ટેક્નિશિયનને બોલાવી ઓકસીજનનું દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો પણ એ દરમિયાન બંન્ને દરદી મૃત્યુ પામ્યાં હતાં.  
કોવિદના દરદીઓની સારવાર કરતા ડૉકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થતા મોટા ભાગના દરદીઓને શ્વાસ લેવામાં હળવી કે ભારે તકલીફ પડે છે. દરેક દરદીને મિનિટમાં 3 થી 10 લિટર ઓક્સીજનની જરૂર પડે છે.હવે તમે કલ્પી શકો છો કે હોસ્પિટલમાં ઓક્સીજનનું કેટલું મહત્વ છે. 
ડૉ વિધા માનેએ એ વાત સ્વીકારી હતી કે હોસ્પિટલ હાલ ઓકસીજનનો પુરવઠો મેળવવા સંઘર્ષ કરી રહી છે પરંતુ ઓકસીજનના ઓછા દબાણથી કોઈ મૃત્યુ થયાં હોવાની વાત તેમણે નકારી કાઢી હતી.
દરદીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હોવાથી તેમનાં મૃત્યુ થયાં હતાં, એમ તેમણે જણાવેયું હતું .

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer