ગોવંડીમાં ગેરકાયદે એક્સચેન્જ પકડાયું

મુંબઇ, તા. 30 : પોલીસે ગોવંડીમાં ગેરકાયદેસર વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એક્સચેન્જ પકડી પાડ્યું હતું અને એક આરોપીની ધરપકડ કરાયાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું. ભારતીય સૈન્ય દ્વારા અપાયેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઇ ક્રાઇમ બ્રાંચ અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયૂક્ત કાર્યવાહી કરી હતી.  એક્સચેન્જ પર સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગેરકાયદે એક્સચેન્જમાં આંતરરાષ્ટ્રીય કોલ્સ આવતા હતા જેમાં કાશ્મીરમાં સંરક્ષણ મથકો સહિતની માહિતી આપવામાં આવતી હતી. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી 190 થી વધુ સીમકાર્ડ જપ્ત કરાયાનું પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશથી આવતા કોલ્સને આ એક્સચેન્જમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યા હતા.  
 મોબાઇલ સાથે સિમબોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિયમિત મોબાઇલ કોલ્સ છત્તીસગડ અને ઝારખંડમાં કરાતા હોવાનું કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ (સીડીઆર)નું વિશ્લેષણ કર્યા પછી ચોક્કસ નંબર, તે કોલની સંખ્યા વધારે હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. નાયબ પોલીસ કમિશનર અકબર પઠાણે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચ, તકનીકી અધિકારીઓ અને મોબાઇલ ફોન કંપનીના સ્ટાફે સાથે મળીને ગોવંડીના નટવર પારેખ કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર વીઓઆઈપી એક્સચેન્જ પકડી પાડી હતી. અધિકારીએ ધરપકડ કરાયેલ શખ્સ ગોવંડીનો સમીર કાદર અલવરી હોવાનું અને તેણે કબૂલ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના આવા સંવેદનશીલ સ્થળો માટે અનેક કોલ્સ આવતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer