કોરોનાગ્રસ્ત દરદીની સ્મશાનયાત્રામાં સામેલ 18 ડાઘુને ચેપ લાગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
ઉલ્હાસનગર, તા. 30 : ઉલ્હાસનગરમાં કોરોનાગ્રસ્ત દરદીના મૃત્યુ બાદ એની સ્મશાનયાત્રામાં હાજરી આપનાર 18 જણને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જમાબંધીના આદેશનું ઉલ્લંઘન કરી લગભગ 70 જણ 40 વર્ષની એક મહિલાની સ્મશાનયાત્રામાં જોડાયા હતા. 25 મેના આ મહિલાનો ટેસ્ટ તેના મૃત્યુ બાદ કરાયો હતો અને એ પોઝિટિવ આવ્યો હતો.
મહિલાના પરિવારને મૃતદેહ એક બેગમાં આપવામાં આવ્યો હતો અને આ બેગ ન ખોલવાની ખાસ સુચના પણ તેમને આપવામાં આવી હતી. અમુક વિધિ કરવા પરિવારે આ બેગ ખોલી હતી અને એના કારણે કોરોનાનો ચેપ ફેલાયો હતો.
આ સ્મશાનયાત્રા વિશે પોલીસને પણ કોઈકે જાણ કરી હતી અને પછી ઉલ્હાસનગર પાલિકાને એની જાણ કરાઈ હતી. સ્મશાનયાત્રામાં તમામ 70ના કોરોના ટેસ્ટ કરાયાં હતા. એમાંથી 18ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોલીસે મૃતક મહિલાના પરિવાર સામે કેસ ફાઈલ કર્યો છે.
આ મહિલાની શરૂઆતમાં પણ ઉલ્હાસનગરમાં આવો જ કિસ્સો બન્યો હતો. કોરોનાગ્રસ્ત પરિવારે વિધિ કરવા માટે મૃતદેહની બેગ ખોલી હતા અને એને લીધે કમસે કમ 20 ડાઘુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer