ભાયખલા અને આર્થર રોડ જેલના કેદીઓને મુંબઈની બે સ્કૂલોમાં રખાશે

મુંબઈ, તા. 30 : મુંબઈની બે સ્કૂલોને હંગામી જેલમાં રૂપાંતરિત કરીને એમાં ભાયખલાની મહિલા જેલ અને આર્થર રોડ જેલના કેદીઓને રખાશે. અગાઉ રાજ્યના ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને જિલ્લા કલેકટરોને સરકારી કે ખાનગી માલિકીના મકાનોનો કબજો લઈને તેને હંગામી જેલમાં ફેરવવાની સત્તા આપી હતી.  આ રીતે કોરોનાની મહામરી ફેલાઈ છે ત્યારે કેદીઓનું વિભાજન થઈ શકે. મુંબઈ શહેરના કલેકટર રાજીવ નિવાતકરે કહ્યું હતું કે ગયા મહિને પાલિકાના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી અને એ વાતની ચર્ચા કરાઈ હતી કે જેલના કેદીઓને ક્યાં રાખવા. કોઈ મકાનને હંગામી જેલમા ફેરવતાં પહેલાં જેલના મેન્યુઅલનું પાલન કરવું પડે છે. જેલ ખાતાએ હંગામી જેલમાં તેની જરૂરિયાત શી હશે એની જાણ પાલિકાને કરી હતી. આ આધારે થોડા વિકલ્પો જેલ ખાતાને અપાયા હતા અને આમાંથી બે સ્કૂલોની પસંદગી કરાઈ છે. 
અધિકારીએ કહ્યું હતું કે આ મકાનમાં કેદીઓને રાખવાના હોવાથી સૌથી મહત્તવની બાબત સલામતીની હતી. જેલ મેન્યુઅલ પ્રમાણે હંગામી જેલમાં યોગ્ય વેન્ટિલેશન, બાથરૂમ અને ગલી- પગદંડી હોવી જરૂરી છે. 
ભાયખલા જેલની નજીકની શાળામાં જે નવા કેદીઓને અદાલતી કોટડીમાં મોકલાય છે તેમને રાખવામાં આવશે. શાળાનો ઉપયોગ નવા કેદીઓને 14 દિવસ ક્વૉરેન્ટાઈન કરવામાં થશે. ત્યાર બાદ તેમને મુખ્ય જેલમાં લઈ જવાશે. મુંબઈ સેન્ટ્લની બીજી સ્કૂલમાં આર્થર રોડ જેલના કેદીઓને રખાશે. હાલમાં મુંબઈ અને થાણે જિલ્લાના બધા પુરુષ કેદીઓને ની મુંબઈની તલોજા સેન્ટ્રલ જેલમાં રખાય છે. જ્યારે મહિલા કેદીઓનો ભાયખલા, થાણે અને કલ્યાણ જેલમાં રખાય છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વડી અદાલતમાં જેલ ખાતાએ નોંધાવેલા સોગંદનામા પ્રમાણે 23 જિલ્લાઓએ સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલમાં હંગામી જેલ ઊભી કરી છે.
કલ્યાણમાં પણ એક સ્કૂલમાં વ્યવસ્થા કરાઈ છે અને નવા કેદીઓને ત્યાં મોકલવામાં આવશે. રાજ્યમાં 1000 કેદીઓને હંગામી જેલમાં રખાયા છે. ભાયખલા મહિલા જેલની એક કેદીને કોરોના થયો હતો, પરંતુ તે સાજી થઈ ગઈ હતી. આર્થર રોડ જેલના 120 કેદીઓને કોરોના થયો હતો, પરંતુ બધા સાજા થઈ ગયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer