મુંબઈમાં પૂરની પરિસ્થિતિની ચેતવણી માટેની સિસ્ટમ ચોમાસા પહેલાં કાર્યરત થશે

અર્થ સાયન્સ મંત્રાલય પાલિકાને છ કલાક અગાઉ સંભવિત પરિસ્થિતિની જાણ કરી શકશે  
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 30 : આ ચમાસા અગાઉ મુંબઇ શહેરને પૂરની ચેતવણી આપતી સિસ્ટમ મળશે, જે છથી 48 કલાક અગાઉ પૂરની શક્યતા ધરાવતા વિસ્તારોની ચેતવણી આપી શકશે. દર વર્ષે મુંબઇમાં ભારે વરસાદ પડે ત્યારે શહેર ઠપ થઇ જાય છે. શહેરમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પાણી ભરાવા અને પૂરની પરિસ્થિતિના પરિણામે ટ્રાફિક, રેલ્વે અને એરલાઇન્સ ખોરંભે ચડે છે. 
 અર્થ સાયન્સ મંત્રાલય અને પાલિકા વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકમાં આવી ચેતવણી પ્રણાલીનો નિર્ણય લેવાયો હતો અને આવતા મહિને એ કાર્યરત થવાની સંભાવના છે, કેમ કે 10 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં પ્રવેશે એવી શક્યતા છે. રેઇન મોનિટારિંગ સિસ્ટમ મુંબઇ માટે તૈયાર થઇ રહી છે જેમાં સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારો, પૂરના પાણી ભરાવાની શક્યતા સહિતની મેળવી શકે તે અંગેની તમામ માહિતી, અને અન્ય વિગતો પાલિકા સાથે શેર કરવામાં આવશે. 
ત્યારબાદ પાલિકા લોકોમાં આ ચેતવણીઓની માહિતી આપી શકે છે, એમ અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ. રાજીવને શુક્રવારે જણાવ્યું હતું. આ સિસ્ટમ કાર્યરત થઈ ગયા પછી, મુંબઈ ચેન્નઈ બાદ આવી સિસ્ટમ ધરાવતું દેશનું બીજું શહેર હશે.  જો કે, મુંબઇમાં સિસ્ટમ માટે વપરાતા હવામાન મોડેલો અને સાધનો જુદાં છે.  આવી સિસ્ટમ વિકસાવવાનું કામ બે વર્ષ પહેલાં શરૂ થયું હતું.  આ સમયગાળા દરમિયાન, ટોપોગ્રાફી નકશા, ડ્રેનેજ અને પાઇપલાઇન્સની વિગતો, તળાવો, નદીઓ અને મુંબઈની અન્ય જળ સંસ્થાઓની માહિતી એકત્રિત કરાઇ હતી. આ ઉપરાંત, સમગ્ર શહેરમાં રેઈન ડ્રેનેજનું સારું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ આઈઆઈટીએમ, પુણેના વિજ્ઞાનીઓની ટીમે કર્યું હતું. 
સિસ્ટમનો પ્રાથમિક સ્રોત વરસાદ હશે, પરંતુ મુંબઇ દરિયાકાંઠાનું શહેર હોવાથી, આ  સિસ્ટમ પૂરની આકારણી માટે દરિયામાં ભરતીના મોજા અને તોફાન સંબંધી ડેટા પણ ધ્યાનમાં લેશે. રેકોર્ડ કરેલા વરસાદનું પ્રમાણ, સમય, સ્થાન, ટોપોગ્રાફી અને આગાહીના આધારે, સિસ્ટમ શહેરના વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારો માટે પૂર ચેતવણી આપવા માટે સક્ષમ છે. આ બધી માહિતી અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે,  સચિવે જણાવ્યું હતું.  તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારે વરસાદ પછી શક્ય પૂરની સ્થિતિમાં સિસ્ટમ સ્થાનિક વહીવટ માટે નિર્ણય લેવાના માર્ગદર્શિકા તરીકે કાર્ય કરશે. 
 રાજીવને કહ્યું, હતું કે અમે હાલની કાસ્ટ ચેતવણીનો ઉપયોગ કરીશું, જે છ કલાક અગાઉ આપવામાં આવે છે.  અમે બે દિવસ અગાઉથી આગાહી પણ કરીશું. કાસ્ટ હવામાનની આગાહી માટે વેધશાળા દ્વારા કોઈ ચોક્કસ ક્ષેત્રમાં તાત્કાલિક છ કલાકની અંદર બનવાની સંભાવના દર્શાવે છે. જે મુખ્યત્વે ભારે વરસાદ, વાવાઝોડા, વરસાદ, વીજળી જેવા હવામાન સંબંધી તોફાનો માટે જારી કરવામાં આવે છે. રાજીવને જણાવ્યું હતું કે હાલમાં બેંગલુરુ, કોલકાતા અને કેટલાક વધુ શહેરો માટે આવી સિસ્ટમો વિકસાવવાનું કામ ચાલુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer