બેસ્ટની 72 મિનિ એસી-બસ એમ્બ્યુલન્સમાં ફેરવાઇ

બેસ્ટની 72 મિનિ એસી-બસ એમ્બ્યુલન્સમાં ફેરવાઇ
કોરોનાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સનો કાફલો બમણો થશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 : બેસ્ટની મિનિ એસી-બસોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરવા અને દર્દીઓના પરિવહન માટે તેનો ઉપયોગ કરવાના મુંબઈ પાલિકાના નિર્ણયથી કોરોનાના દર્દીઓના પરિવહન માટે આગામી સોમવારથી એમ્બ્યુલન્સની હાલની ક્ષમતા બમણી થશે. પાલિકાએ બેસ્ટની 72 મિનિ બસને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખીને આ સપ્તાહના અંત સુધીમાં મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે.  
બસ-એમ્બ્યુલન્સના નવા કાફલામાંથી, બેસ્ટે બે બસને ગંભીર દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર અને લાઇફ-સપોર્ટ સિસ્ટમથી પણ સજ્જ કરી છે. હાલમાં મુંબઈમાં કોરોનાના દર્દીઓ અને શંકાસ્પદ કેસોના પરિવહન માટે એમઇએમએસની 66 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે જેમાં હવે આ 72 એમ્બ્યુલન્સનો કાફલો જોડાશે. 
કેટલાંક દર્દીઓને એમ્બ્યુલન્સની અછત અને હોસ્પિટલમાં પલંગ મેળવવા માટેના વિલંબનો સામનો કરવો પડ્યાના કિસ્સા સામે આવ્યા છે. અંધેરી પશ્ચિમના નગરસેવિકા અલ્પા જાધવે કહ્યું હતું કે એમ્બ્યુલન્સને કોરોનાના દર્દી સુધી પહોંચવામાં બે થી ત્રણ કલાક લાગે છે કારણ કે ડ્રાઇવર અને સહાયકને દરેક ફેરી પછી એમ્બ્યુલન્સને જંતુમુક્ત કરવી પડે છે અને દરેક વખતે કોરોનાનો દર્દી આવે ત્યારે અંગત રક્ષણાત્મક ઉપકરણો પહેરવા પડે છે. 
30 એપ્રિલના રોજ એક જાહેરનામાથી રાજ્ય સરકારે પાલિકાના ડિઝાસ્ટર સેલને કોરોનાના દર્દીઓ માટે એમ્બ્યુલન્સીસની વ્યવસ્થા કરવાની કામગીરી સોંપી હતી. સેલ હવે એમઇએમએસ એમ્બ્યુલન્સની સાથે એમ્બ્યુલન્સના પોતાના કાફલાની વ્યવસ્થા પણ સંભાળી રહ્યું છે. 
પાલિકાના અતિરિક્ત કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું હતું કે, અમે બેસ્ટને તેની બસોમાં જરૂરી ફેરફાર કરવા અને તેમાં સ્ટ્રેચર મુકવા જણાવ્યું છે. આગામી સોમવારથી, અમારી પાસે મિની બસો, બેસ્ટ બસ અને નિયમિત એમ્બ્યુલન્સ મળીને 150 એમ્બ્યુલન્સનો કાફલો હશે.  મીની એર કન્ડિશન્ડ બસોમાં સીટોની છેલ્લી હરોળને સ્ટ્રેચરમાં ફેરવી નાખવામાં આવી છે. ડ્રાઇવરની બેઠકના વિસ્તારને વાયરસથી બચાવવા માટે આડે એલ્યુમિનિયમ શીટ્સ મુકવામાં આવી છે. 
બેસ્ટના જનસંપર્ક અધિકારી મનોજ વરાદેના જણાવ્યું  પ્રમાણે જરૂરિયાત મુજબ, મિનિ-બસમાંથી બનેલી સેમી એમ્બ્યુલન્સ અને બે સંપૂર્ણ સજ્જ એમ્બ્યુલન્સ તેમને સોંપી દેવામાં આવી છે. જરૂર પડ્યે આવી વધુ એમ્બ્યુલન્સ તૈયાર કરવાની બેસ્ટની ક્ષમતા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer