મુંબઈના પાંચ વોર્ડમાં દરેકમાં કોરોનાના 1000થી વધુ પોઝિટિવ કેસ

મુંબઈના પાંચ વોર્ડમાં દરેકમાં કોરોનાના 1000થી વધુ પોઝિટિવ કેસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.16 : મહાનગર મુંબઈના 24 વહીવટી વૉર્ડમાંથી પાંચ વૉર્ડમાં દરેકમાં કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા છે, એમ મહાપાલિકાએ બુધવારે બહાર પાડેલા આંકડા પરથી જાણવા મળ્યું છે. 
 સૌથી વધુ 1316 કેસ જી-ઉત્તર વૉર્ડ(ધારાવી,દાદર,માહિમ)માં નોંધાયા હતા, એ બાદ જી-દક્ષિણ વૉર્ડ(વરલી,પ્રભાદેવી)માં 1206 કેસ, ઈ વૉર્ડ (ભાયખલા, મુંબઈ સેન્ટ્રલ)માં 1085 કેસ, કે-વેસ્ટ વૉર્ડ (અંધેરી-વેસ્ટ,ઓશિવરા)માં 1026 કેસ અને એફ-ઉત્તર વૉર્ડ (વડાલા,માટુંગા,એન્ટોપ હિલ)માં 1008 કેસ નોંધાયા છે. 
 દરમિયાન મંગળવાર, 12 મે સુધીમાં બધા 24 વૉર્ડમાં કોરોનાના કેસનો સરેરાશ વૃધ્ધિ દર 6.7 ટકાનો હતો. આમછતાં મુલુંડ સમાવિષ્ટ ટી વૉર્ડમાં વૃધ્ધિ દર સૌથી વધુ 18.5 ટકા રહ્યો હતો. એ બાદ દહિસર અને બોરીવલીના કેટલાક ભાગ વાળા આર-ઉત્તર વૉર્ડમાં વૃધ્ધિ દર 11.9 ટકાનો રહ્યો હતો. એ પછી ડોંગરી અને મસ્જિદબંદર સમાવિષ્ટ બી વૉર્ડમાં કેસનો વૃધ્ધિ દર 9.9 ટકા રહ્યો હતો. ટી, આર-ઉત્તર અને બી વૉર્ડમાં આઠ દિવસથી ઓછા દિવસમાં કેસ બમણા થાય છે. 
 જો કે તેમનો વૃધ્ધિ દર ઊંચો છે છતાં શહેરના આ ત્રણ વૉર્ડમાં શહેરમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. જે પાંચ વૉર્ડમાં સૌથી વધુ કેસ નોંધાયા છે એમાં જી-ઉત્તર વૉર્ડનો વૃધ્ધિ દર 6.6 ટકા, જી-દક્ષિણનો 4.4 ટકા, ઈવૉર્ડનો 6.9 ટકા, કે-વેસ્ટનો 6.2 ટકા અને એફ-ઉત્તર વૉર્ડનો વૃધ્ધિ દર 8 ટકા રહ્યો હતો. વધુમાં નવ વૉર્ડમાં કેસોનો બમણા (ડબલીંગ) થવાનો દર 8 થી 10 દિવસનો રહ્યો હતો જ્યારે બાકીનાં વૉર્ડનો ડબલીંગ દર 10 દિવસ કે તેનાથી વધુનો હતો. 
 જે પાંચ વૉર્ડમાં દરેકમાં 1000 થી વધુ કેસ છે એ બાદ સાત એવા વૉર્ડ છે જ્યાં દરેકમાં 500 થી વધુ કેસ નોંધાયા છે. બાકીનાં વૉર્ડમાં 500 થી ઓછા કેસ નોંધાયા છે. 
 પાલિકાના ડેટા મુજબ મંગળવાર સુધીમાં 1,27,000 ટેસ્ટ કરાયા હતા તેમાંથી 11.60 ટકા (આશરે 14,732) પૉઝીટીવ આવ્યા હતા. શહેરના 321 ફીવર ક્લિનિકમાં 15000 જણનું ક્રીનીંગ થયું હતું અને 4પ84 જણનાં સ્વેબ લેવામાં આવ્યા હતા તેમાંથી 392 કેસ પૉઝીટીવ આવ્યા હતા. 
 જી-ઉત્તર વૉર્ડના આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર કિરણ દિઘાવકરે કહ્યું હતું કે ધારાવીમાં અમે વધુ લોકોનું ક્રીનીંગ કરી રહ્યા છીએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer