કચ્છી વેપારીઓએ પોતાના કર્મચારીઓને આપી વિદાય

કચ્છી વેપારીઓએ પોતાના કર્મચારીઓને આપી વિદાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : લૉકડાઉનના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા 1750 પ્રવાસીને લઈને સ્પેશિયલ ટ્રેન બુધવારે સાંજે વસઈ રોડ સ્ટેશનેથી રાજસ્થાનના ફાલના માટે રવાના થઈ ત્યારે ઉતારુઓએ `ભારતમાતા કી જય'ના નારા લગાવ્યા હતા.
ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓ માટે ફ્રી ટિકિટ, ભોજન - નાસ્તો - ચા-પાણી સહિતની સુવિધા સરકાર તરફથી અપાઈ હતી, આ પ્રવાસીઓમાં મોટા ભાગના વસઈ, નાલાસોપારા અને વિરારમાં કચ્છીઓની દુકાનમાં કામ કરનારા ભાઈઓ હતા. તેઓ પરિવાર સાથે પોતાના ગામ જવા રવાના થયા હતા. આ તમામની વિગતો એકઠી કરવી, નામો નોંધવા સહિતની કામગીરી નાલાસોપારા વેપારી મંડળના પ્રમુખ દેવાંગ મનસુખભાઈ કેનિયાએ કરી હતી.
દેવાંગભાઈ કેનિયાએ આ માહિતી આપતાં જણાવ્યું કે, પ્રવાસીઓ માટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા. નામોની યાદી તૈયાર કરીને રાજથાન સરકારને મોકલાવી હતી. ત્યાંથી મંજૂરી આવ્યા પછી જ પૂરી તૈયારી કરી હતી. એક મોટા મેદાનમાં બધા પ્રવીઓની ડૉક્ટરોએ થર્મલ ક્રિનિંગ સહિતની તપાસણી કરી હતી. એ પછી જ લોકોને ટ્રેનમાં બેસાડાયા હતા. વસઈ રોડ સ્ટેશને સાંજે 7 વાગે ટ્રેનને વિદાય અપાઈ ત્યારે માજી નાયબ મેયર ઉમેશજી નાઈક, દેવાંગ કેનિયા, મણીલાલ ગોગરી, રેલવેના અધિકારીઓ, એસ.પી., ડીએસીપી, ડીવાયએસપી વગેરે પોલીસ અધિકારીઓની હાજરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer