કૃષિ ક્ષેત્ર માટે ત્રીજા ચરણના પેકેજને ઔદ્યોગિક સંગઠનો દ્વારા આવકાર

કૃષિ ક્ષેત્ર માટે ત્રીજા ચરણના પેકેજને ઔદ્યોગિક સંગઠનો દ્વારા આવકાર
મુંબઈ, તા.16: દેશમાં સૌથી વધુ નાગરિકોને રોજગાર આપતા કૃષિ ક્ષેત્ર માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા ત્રીજા ચરણના આર્થિક પેકેજને વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ આવકાર આપ્યો છે.  
કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઈ)ના ડિરેકટર જનરલ ચંદ્રજીત બેનરજીએ કૃષિ ક્ષેત્ર માટે જાહેર કરેલા પેકેજને આવકારતા કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં માળખાકીય અને  લોજીસ્ટિકસ માટે નાણાંની ફાળવણી કરીને સરકારે લાંબા ગાળા માટે નકકર કદમ ઉઠાવ્યું છે. જીવનાવશ્યક ચીજ વસ્તુ કાયદા અને એપીએમસી કાયદામાં સુધારણા કરવાનો નિર્ણય હિંમતભર્યો અને પ્રશંસનીય છે. તે દિશામાં ફૂડ પ્રોસાસિંગ ઇન્ફ્રા માટે ફાળવાયેલા રૂ.1 લાખ કરોડ સમગ્ર કૃષિ ક્ષેત્રને પ્રગતિના પંથે મૂકશે, એમ બેનરજીએ જણાવ્યું હતું.  
સીઆઇઆઈના કો ચેરમેન અતુલ મહેરાએ જણાવ્યું કે કૃષિ, ડેરી, મત્સ્ય વ્યવસાય અને મરઘાં પાલન માટે જાહેર કરાયેલા પેકેજથી આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મિશનમાં વાસ્તવિકપણે જોડાયા છીએ.  
આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ આશિષ વૈદે જણાવ્યું છે કે ત્રીજા ચરણના પેકેજથી કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન, ડેરી અને મધમાખી ઉછેર કેન્દ્રોને આર્થિક સહાય મળવાથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળશે. કોલ્ડ સ્ટોરેજ ચેઇન માટે રૂ.1 લાખ કરોડના ભંડોળની ફાળવણીને પણ વૈદે આવકારી હતી. તે સાથે જીવનાવશ્યક ચીજ વસ્તુ કાયદા1955માં સુધારો કરી અનાજ, તેલીબિયાં અને કઠોળને  તેમાંથી બાકાત રાખવાના નિર્ણયનું તેમણે સ્વાગત કર્યું હતું.  
એચડીએફસી સિક્યુરિટીઝના એમડી અને સીઈઓ ધીરજ રેલ્લીએ જીવનાવશ્યક ચીજ વસ્તુ કાયદામાં કરાયેલા સુધારાને સૌથી મહત્ત્વનું કદમ ગણાવી કહ્યું કે આ પગલાંથી કૃષિ ક્ષેત્ર ખરા અર્થમાં પ્રગતિના પંથે મુકાશે અને તેમને પોતાનો કૃષિ માલ ક્યાં વેચવો, કોને વેચવો તેનું કોઈ બંધન નહીં હોય. 
હેસ્ટર બાયોસાયન્સિસના મેનેજીંગ ડિરેક્ટર રાજીવ ગાંધીએ કહ્યું કે સહકારી ડેરીઓ માટે વ્યાજમાં સહાય કરવાની દરખાસ્તથી  તેમનું વ્યાજનું ભારણ ઘટશે. કૃષિક્ષેત્રના હિસ્સા તરીકે પશુપાલન આપણા ગ્રામિણ અર્થતંત્રના કરોડરજ્જૂ સમાન છે એવું જણાવતા તેમને કહ્યું કે સરકારના રસીકરણ કાર્યક્રમમાં જંગી માત્રામાં બ્રુસેલા રસીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે તેનું ઉત્પાદન કરતી હેસ્ટર બાયોસાયન્સિસ કટીબદ્ધ છે. એફએમડી અને બ્રુસેલા રોગો સામે રસીકરણથી પશુઓના આરોગ્યમાં સુધારો થશે અને પરિણામે દૂધની ઉપજ વધશે, એમ ગાંધીએ કહું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer