મહાપાલિકાએ કોરોનાના દરદીઓની સારવાર માટે વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમનો કબ્જો લીધો

મહાપાલિકાએ કોરોનાના દરદીઓની સારવાર માટે વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડિયમનો કબ્જો લીધો
મુંબઈ, તા. 16 : શહેરમાં કોરોનાના દરદીઓની સતત વધી રહેલી સંખ્યા અને સંભવિત તાકીદની પરિસ્થિતિને પહોંચા વળવા મુબઈ મહાપાલિકાએ જંબો કોવિદ કેર સેન્ટર અને કવૉરેન્ટાઈન સુવિધા ઊભી કરવા ક્રિકેટ સ્ટેડીયમ વાનખેડે અને બ્રેબોર્ન સ્ટેડીયમનો કબ્જો લીધો છે. 
આ અગાઉ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ, એનએસસીઆઈ ડૉમ, મહાલક્ષ્મી રેસ કૉર્સ અને ગોરેગાંવનું નેસ્કો એકઝીબિશન સેન્ટરનો પણ કોરોનાની સારવાર માટે પાલિકાએ કબ્જો લીધો છે. 
થોડા દિવસ અગાઉ જંબો કોરોના કૅર સેન્ટર તરીકે અમે આ બે સ્ટેડીયમને ઓળખી કાઢ્યાં હતાં.
અહીં આઈસીયુ બેડ, ઓક્સીજન સપોર્ટ તેમજ કવૉરેન્ટાઈનની સુવિધા અપાશે.અમે આ સ્ટેડીયમોનો કબ્જો લીધો તેથી શહેરી જનોએ ગભરાટમાં આવી જવાની જરૂર નથી. અમને આ સ્ટેડીયમોની જરૂર પડે કે ન પણ પડે.એવું નથી કે આવતીકાલે જ અમે ત્યાં 5000 દરદીઓને દાખલ કરી દઈશું. પરંતુ પરિસ્થિતિ વણસી જાય તેવા સંજોગોની તૈયારી કરી રહ્યા છીએ, એમ પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
વાનખેડે સ્ટેડીયમ મુંબઈ ક્રિકેટ એસોસીયેશનની માલિકીનું છે જ્યારે બ્રેબોર્ન સ્ટેડીયમ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાનું છે.વાનખેડેમાં 2011 ની વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી. 
અમેરિકામાં પણ જ્યાં યુએસ ઓપન ટેનીસ સ્પર્ધા યોજાય છે એ ફ્લસીંગ મેડોઝમાં કોરોના વાઈરસ કેર સેન્ટર ઊભું કરાયું છે. 
એનએસસીઆઈ ખાતે 500 બેડ, મહાલક્ષ્મી રેસ કોર્સ ખાતે 900 અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના નેસ્કો ખાતે 1250 બેડની સુવિધા ઊભી કરાઈ છે. બધા બેડ પર ઓક્સીજન સપોર્ટની સુવિધા છે.શહેરની એ સૌથી મોટી સુવિધા છે. મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ શુક્રવારે આ સેન્ટરની મુલાકાત લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer