ડ્રોનના કારણે કાંદિવલીની ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા

ડ્રોનના કારણે કાંદિવલીની ઝૂંપડપટ્ટીમાં કોરોનાના કેસો કાબૂમાં આવ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 16 :  પાલિકાએ દાવો કર્યો હતો કે ડ્રોન (સ્વયંસંચાલિત ટચૂકડા વિમાન)ની અસરકારકતાથી કાંદિવલી (પશ્ચિમ)ની એક ગીચ ઝૂંપડપટ્ટીમાં લોકડાઉનના વ્યાપક ઉલ્લંઘન છતા કોરોનાનાં કેસો કાબૂમાં આવ્યા હતા. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કાંદિવલીમાં ન્યૂ લિંક રોડ પર લાલજીપાડામાં 48 કેસ નોંધાયા હતા અને 15 મેના રોજ, સંખ્યા 19 પર આવી ગઈ.
પાલિકાએ આ સફળતાને ડ્રોનને આભારી ગણાવી હતી જે ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીમાં લોકોની હિલચાલનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે.  છેલ્લા એક અઠવાડિયામાં આ સ્થળે કોઈ નવા કેસ નોંધાયા નથી.  આર (દક્ષિણ) ના વોર્ડ અધિકારીઓ, સ્થાનિક પોલીસની સાથે મળીને લોકોના હિલચાલ પર નજર રાખવા માટે આ ડ્રોનનો ઉપયોગ કરે છે.  
આર (દક્ષિણ) વોર્ડના સહાયક કમિશનર સંજય કુરહાડેએ કહ્યું હતું કે,  ડ્રોનની હાજરી મદદરૂપ થઈ છે.  લોકો સમજી ગયા છે કે જો તેઓ નિયમભંગ કરશે તો રંગે હાથે ઝડપાઇ જશે કેમ કે ડ્રોન વિડિઓ રેકોર્ડિંગ કરે છે. હાઇ-ડેફિનેશન કેમેરાથી સજ્જ ડ્રોન, ઝૂંપડપટ્ટીનું 30 મિનિટ સુધી આ વિસ્તારમાં 40 ફૂટ ઉપર રહીને નિરિક્ષણ કરીને વિડિયો ઉતારે છે.  
તેનું સ્પીકર વોકી-ટોકી સાથે જોડાયેલ છે. પાલિકા અને પોલીસ ગલીઓની હિલચાલ પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે.  સ્થાનિક કોર્પોરેટર કમલેશ યાદવે કહ્યું હતું કે અમે ઝૂંપડપટ્ટીના લોકોને કહ્યું હતું કે અમે તેમના પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ. બીજા જ દિવસે અમે લોકોને તેમના ગલીઓમાં ચાલતા ફોટોગ્રાફ્સ બતાવ્યા અને તેમને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી. હવે મોટાભાગના લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે.  આ રીતે ચેપ નિયંત્રણમાં લાવવામાં આવ્યો. લાલજીપાડા ઝૂંપડપટ્ટીમાં લગભગ 80,000ની વસતી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer