કાંદિવલી પૂર્વના સાંઈધામ મંદિરના મૅનેજિંગ ટ્રસ્ટી સહિત 13ને કોરોના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : કાંદિવલીના પૂર્વમાં હાઈવે પર આવેલા સાઈ ધામ તથા વિષ્ણુધામ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી સહિત 13 જણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પાલિકા સત્તાવાળાઓ દોડતા થઈ ગયા છે. 
હિન્દુજા હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા મેનેજિંગ ટ્રસ્ટીએ જન્મભૂમિને કહ્યું હતું કે અમારા મંદિરમાં એક ચાર્ટર્ડ પાર્ટ ટાઈમ કામ કરે છે અને એ કોરોના મંદિરમાં લઈ આવ્યો હતો. એ પોઈસરમાં જ્યા રહે છે ત્યાં ઘણા કોરોનાગ્રસ્તો મળ્યા છે.  મારા સહિત કુલ તેરને આ ચેપ લાગ્યો છે અને બધા જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
મંદિરના 17 કર્મચારીને ફ્લુના લક્ષણો દેખાતા થોડા દિવસ પહેલા તેમનો ટેસ્ટ કરાયો હતો. આમંના 13નો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકોને કોરોનાના લક્ષણો દેખાયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે જેમને ખાસ લક્ષણો નથી તેમને મંદિરના પરિસરમાં રખાયા છે. અમે તેમના સંસર્ગમાં આવનારા લોકોને શોધી રહ્યા છીએ, પરંતુ આ સહેલું કામ નથી. આમાંના કોઈ કર્મચારીની હાલત ગંભીર નથી. 
મેનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું હતું કે હું તો લોકડાઉન શરૂ થયું ત્યારથી મંદિરમાં જ રહેતો હતો અને તેથી મારા પરિવારના સંપર્કમાં નહોતો. આને લીધે તેમને ક્વોરન્ટાઈન કરાયા નથી.
આ મંદિર છેલ્લા 22 વર્ષથી ગરીબો માટે  બે ટંક ભોજનાલય ચલાવે છે. લોકડાઉન અમલમાં આવ્યું ત્યારથી પોલીસની પરવાનગી સાથે ગરીબો અને ભૂખ્યાઓને ભોજન આપવાનું કામ મંદિરે ચાલુ રાખ્યું હતું.ભોજન ઉપરાંત ગરીબોને રેશન કિટ પણ આપતું હતું.  મનેજિંગ ટ્રસ્ટીએ કહ્યું હતું કે  સદાવ્રતના આ કામને લીધે તેર જણને કોરોના થયો હોવાની વાત ખોટી છે. અમે બધા કોરોનાગ્રસ્ત થયા હોવાથી સેવાનું કામ પણ સાવ ઠપ થઈ ગયું છે. છેલ્લા દોઢ મહિનામાં અમે 1.14 કરોડ આ સેવાના કામ પાછળ ખર્ચ્યા છે.
 સમતા નગર પોલીસસ્ટેશનના સિનીયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કસબેએ કહ્યું હતું કે પાલિકાના અધિકારીઓ કોરોના પોઝિટિવ કર્મચારીઓ સાથે સંપર્કમાં આવનારા લોકોને શોધી રહી છે. પોલીસે મંદિરની પાસે એક ટીમ ગોઠવી છે અને ચેપગ્રસ્ત કર્મચારીને ફરજિયાત ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ કર્મચારીને કાંદીવલી પૂર્વના સાઈનગર એરિયાના એક મકાનમાં આ કર્મચારીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer