અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં બાર-બાર કલાક રાહ જોવી પડે છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 16 : મુંબઈમાં કોરોનાના કપરા કાળમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહોમાં સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે કેટલાક કિસ્સામાં 12 કલાક સુધી રાહ જોવી પડી હતી,  શહેરમાં કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ ઘટતું નથી અને  હોસ્પિટલના શબઘરમાં હવે જગ્યાનો અભાવ છે. 
ગુરુવારે સાયનના 59 વર્ષના મહિલાનું કેઇએમ હોસ્પિટલમાં નિધન થયું હતું, તેના પુત્રએ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તે જ દિવસે બપોરે 3 વાગ્યે મૃતદેહ મેળવ્યો હતો. સંબંધીઓ સાતે અંતિમ સંસ્કાર માટે ભોઇવાડાના ઇલેક્ટ્રિક સ્મશાનમાં લઈ ગયા હતા. તળ મુંબઈમાં કુલ ચાર ઇલેક્ટ્રીસિટી સંચાલિત સ્મશાનગૃહ છે જેમાં એક ભોયવાડામાં અને અન્ય ત્રણ સાયન, શિવાજી પાર્ક અને ચંદનવાડીમાં છે. પુત્રએ કહ્યું કે તેમનો વારો શુક્રવારે આવ્યો, લગભગ 12 કલાક પછી. સ્મશાનગૃહના કર્મચારીએ જણાવ્યું હતું કે ગુરુવારે 26 લોકોના અંતિમ સંસ્કાર કરાયા એમાંથી તેમાંથી 18 કોરોનાના દર્દી હતા. ધારાવીની 55 વર્ષીય મહિલાના પરિવારને પણ ગુરુવારે શિવાજી પાર્કમાં આવો જ અનુભવ થયો હતો. તેના પુત્રના કહેવા મુજબ, બપોરે પરિવાર તેના મૃતદેહને લઈને આવ્યો હતો. બાર કલાક પછી તેઓ હજી રાહ જોતા હતા;  ત્યાં છ પરિવારો કતારમાં હતા. પહેલા અમે મારી માતાની સારવાર માટે કેઇએમમાં પલંગ મેળવવા માટે સંઘર્ષ કર્યો. હવે આપણે અંતિમ સંસ્કારની રાહ જોવી પડશે,  એમ દીકરાએ કહ્યું હતું. ચારેય સ્મશાનગૃહો ચોવીસ કલાક કાર્યરત છે. ભોઇવાડા સ્મશાનના એક કર્મચારીએ કહ્યું હતું કે  દરેક મૃતદેહને ઓછામાં ઓછા ત્રણ કલાકનો સમય લાગે છે. અમારી પાસે બે ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ છે અને બંને દિવસના 24 કલાક કાર્યરત છે. કોરોનાને કારણે અમારું ભારણ ભારે વધી ગયું છે. અમારું સ્મશાનગૃહ કેઇએમ, ટાટા, વાડિયા, ગ્લોબલ જેવી હોસ્પિટલોથી સમાન અંતરે છે. સૌથી વધુ સંખ્યામાં મૃતદેહો કેઇએમમાંથી આવે છે, અહીં સેવન હિલ્સ અને સાયનમાંથી પણ મૃતદેહો આવી રહ્યા છે. 
શિવાજી પાર્ક અને સાયનના સ્મશાનોમાં હાલમાં એક જ ભઠ્ઠી ચાલી રહી છે, શિવાજી પાર્કના સ્મશાન કર્મચારીએ કહ્યું કે એક મશીનની ક્ષમતા એક દિવસમાં 12 મૃતદેહની છે. કોરોના અને કોરોના સિવાય મૃત્યુના અમે આશરે રોજ 20 લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ. હાલમાં ફક્ત એક મશીન કાર્યરત છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer