એશિયન વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થતાં યુકેની યુનિવર્સિટીઓ આર્થિક ભીંસમાં

પંકજ મોરજારિયા તરફથી
લંડન, તા. 16 : ભારતીય અને ચીની સહિતના એશિયન વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીઓ માટે દુઝણી ગાય સમાન છે. આ યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી ત્રણથી ચાર ગણી વધુ ફી વસુલે છે. ભારતીય વિદ્યાર્થીઓ હોશેહોશે યુકેમાં ભણવા આવે છે પરંતુ અહીંના અને ભારતના શિક્ષણમાં ઝાઝો તફાવત નથી અને મહત્ત્વની વાત એ છે કે હવે અહીંના રહિશોને ભારતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું લાગે છે. 
હવે એશિયન વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઇ ગઇ હોવાથી યુનિવર્સિટી આર્થિક ભીડનો સામનો કરી રહી છે અને તેમના ઊંચા પગારધોરણમાં પણ કાપ મૂકવામાં આવશે. તેઓ આ બાબત પગલાં લેવા સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. સ્થાનિક વિદ્યાર્થીઓની ફી ઓછી હોય છે તથા તેમને શૈક્ષણિક લોન મળે છે જે ઊંચા પગારની નોકરી મળ્યા બાદ ચૂકવવાની હોય છે. જે વિદ્યાર્થીને ઊંચા પગારની નોકરી નથી મળતી તેની લોન થોડા વર્ષો બાદ માફ કરી દેવાય છે. જયારે વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી તો રોકડમાં ફી મળે છે. 
ભારતમાં વિદેશી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવવાનો મોહ વાલી અને વિદ્યાર્થી બંનેમાં જોવા મળે છે. આના ઉકેલરૂપે અહીંથી ડિગ્રી મેળવનારે અહીંના શૈક્ષણિક અભ્યાસક્રમ ભણાવવા ભારતમાં યુનિવર્સિટી સ્થાપવી જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer