લૉકડાઉન-4માં છુટછાટો સંબંધમાં ઉદ્ધવ ઠાકરે અને એનસીપી વચ્ચે મતભેદ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મેના અંત સુધી ચાલનારા લૉકડાઉન-4માં છુટછાટો સંબંધમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના નેતાઓ વચ્ચે મતભેદો પ્રવર્તી રહ્યા છે.
શુક્રવારે ઉદ્ધવ ઠાકરે અને સેનાના નેતાઓ તેમજ એનસીપીના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એનસીપીના નેતાઓએ લૉકડાઉન અને અર્થતંત્ર વચ્ચે સમતોલપણું જાળવવાની હિમાયત કરી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એનસીપીના નેતાઓએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો કે, લૉકડાઉન લાંબા સમય સુધી લંબાવી શકાય નહીં. એવી દરખાસ્ત કરી છે કે, ઉપનગરીય લોકલ ટ્રેનો જેમ બને તેમ જલ્દી શરૂ કરવી જોઈએ કારણકે આ નેટવર્ક આવશ્યક સેવાઓના લાખો કર્મચારીઓ માટે જીવનરેખા સમાન છે,' એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ઝોનના ધોરણે આ બાબતનો નિર્ણય લેવાની કેન્દ્રે રાજ્યને છૂટ આપવી જોઈએ એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
જેમની પાસે આઈકાર્ડ હશે તેમને જ લોકલ ટ્રેનોમાં ચડવા દેવામાં આવશે. પરંતુ રેલવે પ્રશાસને એક ખાતરી આપવી પડશે કે, ગેરકાયદે લોકો કોઈ પણ સ્ટેશનના પરિસરમાં જોવા મળવા ન જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer