કોરોના સામે જાગૃતિ : 60 તાલિમી સ્વયંસેવકો ગીચ ઝૂંપડપટ્ટીઓમાં સર્વે કરે છે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 16 : બોરીવલીની ગણપત પાટીલ નગર ઝૂંપડપટ્ટીની મેગાફોન્સથી સજ્જ એક રિક્ષા ગીચ વસ્તીવાળી ગલીઓમાં ફરે છે. કેટલાંક અંતરે રિક્ષા બંધ થાય અને તેમાંથી એક માણસ નીચે ઉતરીને આસપાસના ઘરોના દરવાજા ખખડાવે છે અને પૂછપરછ કરે છે કે શું પરિવારમાં કોઈને તાવ કે કફ અને શરદી છે. જો જવાબ હા હોય તો એવી વ્યક્તિના ફોટા મોબાઇલમાં ક્લિક કરે છે અને પછી તેને પાલિકા સુધી ચેક-અપ માટે લઈ જાય છે. 
પાલિકાએ લગભગ 50,000ની વસતી ધરાવતા આ વિસ્તારમાં લોકોના કોરોના સંબંધી સર્વેક્ષણ માટે પહેલ કરી છે. પરા વિસ્તારની ગીચ ઝૂંપડપટ્ટીઓમાં આવા સર્વેક્ષણો અને મદદ માટે 60 જેટલાં સ્વયંસેવકોને તાલિમ આપી છે, બે નવા કોરોનાના પોઝિટિવ કેસો પણ મળ્યા છે. પાલિકાના તબીબો ઝૂંપડપટ્ટીની સમાંતર બોરીવલી લિંક રોડ પર સ્થાપિત મેડિકલ કેમ્પમાં રહેવાસીઓની તપાસ કરે છે. 
છેલ્લા ચાર દિવસોમાં, સેંકડો રહેવાસીના સ્વેબ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બે નવા સકારાત્મક કેસો મળી આવ્યા છે, એમ સ્થાનિક નગરસેવક તેજસ્વી ઘોસાળકરે જણાવ્યું હતું. પાલિકાએ તાલિમ આપી છે એ 60 સ્વયંસેવકો, લોકોમાં હાથની સ્વચ્છતા અને ઘરની અંદર રહેવાના ફાયદા અંગે જાગૃતિ ફેલાવે છે. 
સ્વયંસેવકોમાંના એક અખિલેશ સિંહે જણાવ્યું હતું કે, અમુક સમયે ઝઘડા થાય છે અને અમારે પોલીસને બોલાવવી પડે છે. અમે પાલિકાના કર્મચારીઓને લોકોના ઘરે પણ લઈ જઇએ છીએ અને રહેવાસીઓના થર્મલ ક્રિનીંગ કરાવીએ છીએ. 
ત્યારબાદ શંકાસ્પદ દર્દીઓને તબીબી કેમ્પમાં સ્વેબ ટેસ્ટ માટે લઈ જવામાં આવે છે. પાલિકાએ ગણપત પાટીલ નગરમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગ સીલ કરેલા છે. દુકાન સવારે 8 થી 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવે છે. ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરે કહ્યું કે, જાહેર શૌચાલયના ગાર્ડોને લોકોની ભીડ ન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer