વાધવાનને મુસાફરી કરવાની પરવાનગી આપનાર આઇપીએસ અધિકારીને પૅનલે નિર્દોષ જાહેર કર્યા

મુંબઈ, તા 16 : બેન્ક ગોટાળામાં સંડોવાયેલા બિઝનેસ મેન કપિલ અને ધીરજ વાધવાન બંધુઓને લૉકડાઉન દરમ્યાન મુસાફરી કરવાની પરવાનગી આપનાર આઇપીએસ અધિકારીને મહારાષ્ટ્ર સરકારે ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા, તેમને તપાસ કરી રહેલી પૅનલે નિર્દોષ જાહેર કરતા પાછા કામ પર લેવામાં આવ્યા હોવાનું સિનિયર અધિકારીએ જણાવ્યું. 
ગયા મહિને ડીએચએફએલના પ્રમોટર્સ કપિલ અને ધીરજ વાધવાને લૉકડાઉન હોવા છતાં પુણે પાસેના ખંડાલાથી સાતારા જિલ્લામાં આવેલા મહાબળેશ્વર જવાની પરવાનગી આપવા માટે સરકારે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અમિતાભ ગુપ્તાને ફરજિયાતપણે રજા પર ઉતારી દીધા હતા. 
ઉચ્ચ અધિકારીએ વાધવાન સહિત અન્યોને પારિવારિક ઇમર્જન્સીને નામે લૉકડાઉન દરમ્યાન મુસાફરી કરવાની પરવાનગી આપી હતી. આ કેસની તપાસ એડિશનલ ચીફ સેક્રેટરી (ફાઇનાન્સ) મનોજ સૌનિકે કરી હતી. ગુપ્તાએ ફરી ડ્યુટી જોઇન કરી છે. પરવાનગી આપવામાં તેમની ભૂમિકા અંગે તપાસ કરી રહેલી પૅનલે તેમને નિર્દોષ જાહેર કર્યા હોવાનું એક સિનિયર અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. 
કાર દ્વારા પ્રવાસ કરવા અંગેની પરવાનગી 8 એપ્રિલે જારી કરવામાં આવી હતી. એમાં જણાવાયું હતું કે વાધવાન પરિવાર ગુપ્તાને ઓળખે છે અને કૌટુંબિક કટોકટીને કારણે મુસાફરી કરી રહ્યુ છે. 
કપિલ અને ધીરજ વાધવાન સામે યસ બેન્ક અને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ ચાલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer