ધારાવીમાંથી કોરોનાનો ચોથો કેસ મળતા પાલિકાની ઉંઘ હરામ

ધારાવીમાંથી કોરોનાનો ચોથો કેસ મળતા પાલિકાની ઉંઘ હરામ
શિવાજી પાર્કમાંથી પણ પહેલો કેસ મળ્યો, મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દરદીની સંખ્યા 537 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના સત્તાવાર 47 નવા કેસ મળી આવતા કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા 500નો આંક વટાવી ગઈ છે. આ 47 નવા દરદીમાંથી 28 કેસ તો માત્ર મુંબઈમાંથી મળ્યા હતા જ્યારે 15 થાણે વિસ્તારમાંથી અને બે પુણેમાંથી મળ્યા હતા. બાકીના અમરાવતી અને અન્ય જિલ્લામાંથી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 26 દરદીમા મૃત્યુ થયા છે.  
શનિવારે મુંબઈમાં ધારાવી વિસ્તારમાંથી કોરોનાનો ચોથો પેશન્ટ મળતા અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી. ધારાવીમાં કોરોનાનો પહેલો દરદી બાલગી નગરમાંથી મળી આવ્યો હતો અને હવે એ જ સંકુલમાંથી ચોથો પેશન્ટ મળ્યો છે. આ ચોથી પેશન્ટ 30 વર્ષની મહિલા છે. દિલ્હીમાં તબલિગી જમાતની જે ધર્મસભા યોજાઈ હતી એમા હાજરી આપનારા પાંચ જણ બાલગી નગરમાં રોકાયા હતા. આ પાંચેય જણ ઘારાવીના પ્રથમ પેશન્ટના ઘરે ઉતરેલા અને સારવાર દરમ્યાન આ પેશન્ટનું મૃત્યુ થયું હતું. આ પાંચ તબલિગીઓના સંપર્કમાં 100 જેટલા લોકો આવ્યા હતા. આ પાંચેય જણ પછી કેરળ નીકળી ગયા હતા. આ મહિલાને હોસ્પિટલમાં ભરતી કરાઈ છે અને તેના સંપર્કમાં આવનાર લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. 
શનિવારે દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાથી 60 વર્ષનો કોરોનાનો દરદી મળી આવ્યો હતો. આ દરદીનું કોરોના વાઈરસના હોટ સ્પોટ બની ચૂકેલા વિસ્તારમાં પોતાનું પ્રિન્ટિગ પ્રેસ છે. શિવાજી પાર્કમાં તે જે બિલ્ડિગમાં રહે છે તેને પાલિકા અને પોલીસે સીલ કરી છે અને એને વિષાણુમુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરદીને હિન્દુજામાં એડ્મિટ કરાયો છે. તેના કુટુંબીઓ અને તેના સંપર્કમાં આવેલાઓને ક્વોરન્ટાઈન કરાયા છે. 
મુંબઈના ટોપના પોલીસ ઓફિસરને પણ કોરોનાનો ચેપ લાગુ પડ્યો છે. તેને અંધેરીની સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની દીકરી અને દીકરાને પણ સાવચેતી ખાતર હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઓપિસર છેલ્લાં થોડા સમયથી રજા પર હતા, છતાં તેમની ઓફિસને વિષાણુમુક્ત કરવા દવાનો છંટકાવ કરાયો હતો. 
બીજી તરફ મુંબઈ મહાનગર પાલિકાએ કોરોનાના હોટ સ્પોટની સંખ્યામાં વધારો કરી એ 241 કરી છે. આ પહેલા મુંબઈમાં હોટસ્પોટની સંખ્યા 212 હતી. વરલી કોલિવાડા, પવઈ, ઘાટકોપર, અંધેરીની ઝુંપડપટ્ટીમાંથી કોરોનાના દરદી વધતા પાલિકાની ચિતા વધી છે અને અમુક ઝંપડપટ્ટી વિસ્તારોને પણ હોટસ્પોટની યાદીમાં ઉમેરાયા છે. 
દરમ્યાન કોરોના દરદીઓની સારવાર માટેની જવાબદારી પાલિકાએ પાંચ મોટી હોસ્પિટલ પર નાખી છે. એમાં કસ્તુરબા, સૈફી, સેવન હિલ્સ, સેન્ટ જ્યોર્જ અને નાણાવટીનો સમાવેશ છે. એ ઉપરાંત હાઈ રિસ્કવાળા પેશન્ટને રાખવા માટે ગેસ્ટ હાઉસ અને નર્સિંગ હોમ્સની યાદી પણ બહાર પાડી છે. 
એ ઉપરાંત પાલિકાએ કોરોનાના સંદિગ્ધ દરદીઓ ટેસ્ટ કરાવી શકે એ માટે અલગ અલગ જગ્યાએ દસ દવાખાના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ દસેદસ દવાખાના ગીચ અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં ઊભા કરાયા છે. આ દવાખાનામાં એક ડોક્ટર અને નર્સ હશે અને એ સવારે નવથી બપોરે 1 સુધી ખુલ્લા રહેશે. 
કોરોનાને કાબુમાં લેવા અને આઈસોલેશન સેન્ટર ઊભા કરવા પાલિકાએ શહેરની સ્કુલો, કોલેજો અને બેન્ક્વે હોલ પણ પોતાના તાબામાં લીધા છે. ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડને પણ સરકારે તાબામાં લીધું છે અને ત્યાં દસ હજાર લોકોને અલાયદા રાખી શકાય છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને પણ પોતાની ચાર માળની ઓફિસ મહિલા, બાળકો અને સિનિયર સિટિઝનોને અલાયદા રાખવા પાલિકાને આપવાની ઓફર કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer