પોસ્ટ અૉફિસ અૉન વ્હીલ્સ પેન્શનર્સને ઘેર બેઠા પૈસા પહોંચાડશે

પોસ્ટ અૉફિસ અૉન વ્હીલ્સ પેન્શનર્સને ઘેર બેઠા પૈસા પહોંચાડશે
મુંબઈ, તા 4 : લૉકડાઉનના સમયગાળા દરમ્યાન પેન્શન લેવા વરિષ્ઠ નાગરિકોને બહાર નીકળવું ન પડે એ માટે ભારતીય ટપાલ વિભાગે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ઘર બેઠા પેન્શન પહોંચાડવાની શરૂઆત કરી છે. આ સેવાનો લાભ હૉમ ક્વૉરન્ટાઈનમાં રહેલા લોકોને પણ મળશે. 
વરિષ્ઠ નાગરિકો, જેમને 10 હજાર રૂપિયા સુધીની રકમનો ઉપાડ તેમના આધાર સાથે લિન્ક કરાયેલી રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી કરવો હશે તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય ટપાલ વિભાગે નવી મોબાઈલ પોસ્ટ અૉફિસ કે પોસ્ટ અૉફિસ અૉન વ્હીલ લૉન્ચ કરી છે જે શહેરભરમાં વિવિધ પ્રકારની સેવા આપશે જેમાં પૈસા ઉપાડવાની પણ સુવિધ હશે. 
કાર કે વાહનમાં રહેલી પોસ્ટ અૉફિસમાં ઈન્ટરનેટની સાથે અપડેટેડ પોસ્ટલ સોફ્ટવેરની પણ સુવિધા હશે. હાલ બે અધિકારીઓ સાથેની એક મોબાઈલ પોસ્ટ અૉફિસ સીએસએમટી વિસ્તારમાં કાર્યરત છે. આગામી થોડા દિવસોમાં લોકોની સુવિધા માટે એક ડઝન જેટલી વૅન શરૂ કરવાની યોજના હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 
કોવિડ-19 મહામારી દરમ્યાન વરિષ્ઠ નાગરિકોને ઘરની બહાર નીકળવું ન પડે એ માટે અમે તેમના ઘર સુધી જઈ રહ્યા છીએ. ઉપરાંત અમારી સેવામાં જરૂરિયાત મુજબ સુધારા પણ કરતા રહીશું એમ મુંબઈ રિજનનાં પોસ્ટમાસ્ટર જનરલ સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું. 
પોસ્ટ અૉફિસ દ્વારા શરૂ કરવામાં આવેલી પોસ્ટ અૉફિસ અૉન વ્હીલ્સને કારણે મુંબઈમાં રહેતા અનેક વરિષ્ઠ નાગરિકોને ઘણી રાહત થશે. માત્ર એક ફોન કરવાથી વૅન પેન્શનરના ઘર પાસે આવી તેમને જોઈતી રકમ પહોંચાડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer