લૉકડાઉન ઈફેક્ટ :બાળકોની હેલ્પલાઈન પર આવે છે રોજના 400 ફોન

મુંબઈ, તા 4: લૉકડાઉન શરૂ થયા બાદ ચિલ્ડ્રન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત 24/7 ટોલ ફ્રી હેલ્પલાઈન (1098) પર આવતા ફોનકૉલ્સમાં પચાસ ટકાનો વધારો થયો છે. ફાઉન્ડેશનને રોજ 400 જેટલા કોરોના સંબંધિત ફોન આવે છે, જેમાંથી મોટાભાગના હસ્તક્ષેપ કરવા અંગે કે જાણકારી મેળવવા માટેના હોય છે. 
હંમેશ આવતા ફોનની સાથે કોરોના સંબંધિત ફોનનો જવાબ આપતા નિષ્ણાતોના કહેવા મુજબ, હેલ્પલાઈન પર મોટાભાગે બે પ્રકારના ફોન આવે છે. જેમાં કોરોના વાઈરસ અંગેની જાણકારી માગતા ફોન આવે છે. ઉપરાંત વાયરસના સંપર્કમાં આવ્યા હોવાની આશંકા કે ક્વૉરન્ટાઈન માટેના હોય છે. 
બાળકો માટેની હેલ્પલાઈન પર હંમેશ શોષણ, માસિંગ કેસ કે મજૂરી સંબંધિત મુદ્દાઓ અંગેના ફોન આવતા હોય છે. આ ફોન હજું આવતા હોય છે, ઘણા વાલિઓને એક સ્થળેથી બીજા સ્થળે બાળક સાથે મુસાફરી કરવી હોય, કે પછી ખાધાખોરાકી પૂરી થઈ હોય કે અન્ય કોઈ સલાહસૂચનો જોઈતા હોય ત્યારે હેલ્પલાઈન પર મદદ માગે છે. ચાઈલ્ડલાઈન કોલ સેન્ટરના અધિકારીઓ અને અૉન-ગ્રાઉન્ડ રેસ્ક્યુ ટીમ 1098 પર આવતા ફોન કૉલ્સનો તુરંત પ્રતિસાદ આપતા હોય છે. ફાઉન્ડેશનને રોજના 400 જેટલા ફોન કોરોના સંબંધિત આવે છે. 
ચાઈલ્ડલાઈન હાલ 569થી વધુ જિલ્લા અને 128 રેલવે સ્ટેશન મળી દેશનો 77 ટકા હિસ્સામાં સેવા પૂરી પાડે છે. અને ભારતભરના બાળકોને સુરક્ષા પૂરી પાડવા સમગ્ર દેશમાં સેવા પૂરી પાડવાની યોજના ધરાવે છે. ચાઈલ્ડલાઈન ભારત સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા નિયુક્ત કરાયેલી નોડલ એજન્સી છે જે દેશભરની બાળકો માટેની હેલ્પલાઈન પર દેખરેખ રાખે છે. 
ચાઈલ્ડલાઈન (1098) બાળકો માટેની ભારતની પહેલી અને એક માત્ર 24 કલાકની, ટોલ ફ્રી, ઈમર્જન્સી ફોન સેવા છે જે બાળકોની સુરક્ષાની સાથે તેમના લાંબા ગાળાના પુનર્વસન માટે કાર્ય કરે છે. કોઈ પણ બાળક કે સંબંધિત પુખ્ત વ્યક્તિ 1098 પર ફોન કરે તો તેમને માર્ગદર્શન પૂરૂં પડાય છે. ચાઈલ્ડલાઈન સરકાર, સામાજિક સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને સમાજ જેવી અનેકના સહયોગમાં બાળકોની સુરક્ષા માટે કાર્ય કરે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer