રાજકોટની કપાસીયા -ખોળની મિલો ધમધમશે

જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી, હવે અન્ય જિલ્લાઓની માગણી બળવત્તર બનશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4:  લોકડાઉનને કારણે બંધ થઇ ગયેલી કપાસિયા તેલ-ખોળ બનાવવાની મિલોને ફરી શરું કરવા માટે સરકારી મંજૂરી મળી જતા હવે નવા સપ્તાહથી મિલો પુન: ધમધમતી થઇ જશે.
સૌરાષ્ટ્ર કોટનસીડ ક્રસર્સ એસોસિયેશને રાજકોટ જિલ્લા કલેકટરને કરેલી રજુઆતો બાદ કોરોનાને લીધે શરતોને આધિન મિલોને શરૂ કરવાની હંગામી મંજૂરી આપી છે. સોમાની રજૂઆત બાદ રાજકોટમાં સીંગતેલ બનાવતી મિલો શરુ કરવાની છૂટ મળી છે. તેને પગલે કપાસિયા મિલોએ પણ માગ કરી હતી. 
કપાસિયા ખોળને પશુ આહાર અર્થાત આવશ્યક ચીજ ગણીને મંજૂરી આપી છે. અત્યાર સુધી માત્ર સરકારી તંત્રોના સંકલનના અભાવે ખોળની મિલો અને કપાસીયાની જાનિંગ મિલોન બંધ રાખવામાં આવી હતી.
સૌરાષ્ટ્રભરમાં કપાસીયા-ખોળની ડિલિવરી, વેપાર અટકી જતાં વેપારીઓ અને માલધારી-પશુપાલકોમાં કચવાટ પેદા થયો હતો. દરમિયાન  કોટનસીડ ક્રસર્સ એસોસિયેશન અને સૌરાષ્ટ્ર, કપાસ, કપાસીયા ખોળ દલાલ એસોસીયેશનના પ્રતિનિધિ મંડળની રજૂઆતોથી રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કપાસીયા ખોળ તેમજ કપીયા વોશ તેલ તથા બારદાનનું ઉત્પાદન તથા વિતરણ કરવાં માટે હંગામી મંજુરી આપવામાં આવી છે. 
જોકે મિલોએ કોરોનાની ગાઈડલાઈન મુજબ મજૂરોને રહેવા, જમવા સહિતની સુવિધાઓ પુરી પાડવા, હેલ્થ હાઈઝીન અને સોસિયલ ડિસ્ટન્સીંગ અંગે તકેદારી રાખવા તેમજ રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ કપાસીયા ખોળ-કપાસીયા વોશના ઉત્પાદનને પ્રાથમિકતા આપવા તાકિદ કરાઈ છે. વધુ ઉત્પાદન હોય તો અન્ય રાજ્યોમાં મોકલવા કહ્યું છે. હવે જુનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, મહુવા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લા કલેકટર દ્વારા પણ મિલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી બ્રોકર અવધેશ સેજપાલે માગ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer