ફિલ્ટરવાળા એન-95 માસ્કનું ધૂમ વેચાણ

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 4:   સરકારે દરેક વ્યક્તિને માસ્ક પહેરવા ફરજિયાત બનાવ્યા હોવાથી ડિસ્પોઝેબલ અને કાપડના સાદા માસ્ક ખૂબ વેચાય છે. બ્રાન્ડેડ એન-95 માસ્ક પણ ખપે છે. જોકે તેની અછત જેવી સ્થિતિ છે અને મળે તો તે ખૂબ મોંઘા છે. ઘણા લોકો લોકડાઉનના સમયમાં ઘરે જ રોજગારી ઊભી કરીને માસ્ક બનાવવાનો આરંભ કર્યો છે. બીજી બાજુ સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકતા નિકાસકારોને મોટી ખોટ ગઇ હોવાના અહેવાલ છે. 
અમદાવાદમાં માસ્કનું વેચાણ કરતા એક વેપારીએ જણાવ્યું હતુ કે તાજેતરમાંજ રાજ્ય સરકારે કરોડો માસ્ક લઇને ગુજરાતની અનેક હોસ્પિટલોમાં આપ્યા છે. જ્યારે ફિલ્ટરવાળા એન-95 માસ્કની મહત્તમ છૂટક વેચાણ કિંમત રૂ. 350થી 380 હોય છે, જે બહારની હવાને ફિલ્ટર કરીને શ્વાસમાં ધકેલે છે.  
તેમણે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં જે લોકો વધુ પડતા સભાન છે તેઓમાં એન-95 માસ્કનું વેચાણ ઘણું વધી ગયું છે. રોજના આશરે 1000થી 1500 જેટલા માસ્કનું વેચાણ થઇ રહ્યું છે. બીજી બાજુ કોરોનાનો લાભ ઉઠાવવા નિકાસ કરીને નફો ગાંઠે બાંધી લેવાની વૃત્તિ ધરાવતા હતા તે ફસાયા છે. કારણકે નિકાસ બંધ થઇ ગઇ છે. તેઓ નિકાસ માટે ભારે કિંમત ચૂકવીને ખરીદ્યા હતા અને હવે નહી નફો નહી નુકસાનના કારણે બજારમાં વેચી દેવાનો વારો આવ્યો છે.  
રાજ્યમાં અનેક મહિલાઓએ સાદા માસ્ક બનાવવાનું શરૂ કરી દીધુ છે. અમદાવાદ સ્થિત એક ગૃહિણીએ જણાવ્યું હતું કે અમે હાલમાં એન-95 જેવા માસ્ક તો બનાવી શકતા નથી પરંતુ મોઢે બાંધવા જાડાં કાપડના સાદા માસ્ક બનાવીએ છીએ. અત્યાર સુધીમાં અમે દોઢથી બે લાખ માસ્ક રૂ. 10થી 16ની કિંમતે વેચ્યા છે.  આ ધોઇ શકાય શકાય તેવા માસ્ક હોવાથી તેની માગ વધી ગઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer