નવી મુંબઈની જથ્થાબંધ કરિયાણા મારકેટ સોમવારથી ખોલવા અંગે વિચારણા

નવી મુંબઈ,તા.4 : કોરોના વાયરસના પ્રકોપને પગલે રાજ્ય સરકારે ગત 22 માર્ચથી લૉકડાઉન જાહેર કર્યું હતું એ બાદ ગભરાટને કારણે અહીંની જથ્થાબંધ મારકેટો ખુલી રહેવા અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી આમછતાં સરકારે અને વેપારીઓએ દાખવેલી તત્પરતાને કારણે મારકેટો બે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી ખુલી ગઈ હતી.દાણાબંદર બજાર ગુરૂવાર 26 માર્ચથી રાબેતા મુજબ શરૂ થઈ હતી,જથ્થાબંધ કાંદા બટાટા બજાર, શાકભાજી બજાર અને ફળબજાર પણ શરુ થઈ હતી.જો કે કરિયાણા બજાર હજી બંધ છે તેને સોમવાર 6 માર્ચથી ફરી શરુ કરવા અંગે વેપારીઓમાં ચર્ચા વિચારણા ચાલુ છે. 
આ માહિતી આપતાં બૉમ્બે મૂડી બજાર કરિયાણા મર્ચન્ટસ એસોસીયેશન અને નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું કે સરકારે કરિયાણા મારેકેટ પણ ચાલુ રાખવાની છૂટ આપી છે,અમે મસાલા મારકેટો ખોલવા ઈચ્છીએ છીએ આમ છતાં સાવચેતીનાં પગલાં અનિવાર્ય છે. સેનીટાઈઝેશન, માસ્ક વિતરણ,યોગ્ય હાઈજીન, મારકેટોમાં ગીરદી ન થાય માટે સોસિયલ ડીસ્ટંસીંગ, પાસ વિના પ્રવેશ નહીં વગેરે બાબતોની સંપૂર્ણ ખાતરી થાય પછી જ મારકેટો ખોલવામાં આવશે. હું આ સંબંધમાં વેપારી અગ્રણીઓ સાથે ચર્ચા કરી રહ્યો છું, એમ કીર્તિ ભાઈએ જણાવ્યું હતું. 
તેમણે કહ્યું હતું કે ગ્રાહકોને પ્રવેશ આપવાની તરફેણમાં સરકારી તંત્ર નથી, ગ્રાહકો ફોનથી કે દલાલ મારફતે ઓર્ડર લખાવી શકે છે.એપીએમસી તંત્ર મારફતે દલાલ ભાઈઓને પોલીસનાં થપ્પા મારેલા પાસ આપવા અંગે વાટાઘાટ ચાલુ છે.ઉપરાંત દાણાબંદરની જેમ એક દિવસ અન લૉડીંગ અને બીજા દિવસે શહેરમાં ડીલવરી કરવાનું વિચારાયું છે, એમ રાણાએ જણાવ્યું હતું. 
દરમિયાન હાલ નાળિયેર બજાર અને સાકર બજાર જરૂરિયાત મુજબ ચાલુ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer