અગાસીમાં શરૂ કર્યો બાર

અમારા પ્રતિનિધિ તરફથી, 
મુંબઈ, તા. 4 : કોરોના વાઈરસનો ફેલાવો રોકવા દેશવ્યાપી લૉકડાઉન (દેશબંધી)ના કારણે વાઈન શોપ્સ પમ બંધ હોવાથી શરાબીઓની હાલત કફોડી છે. કોપરખૈરાણેમાં બિલ્ડિગની અગાસીએ દારૂની 200 બાટલીઓ સંતાડીને ઉંચા દામે ગેરકાયદે વેચવાના કેસમાં પોલીસે એક આરોપીની શોધખોળ આદરી છે. પોલીસે બાતમીના આધારે 31 માર્ચની રાત્રે કોપરખૈરાણેના સેક્ટર નંબર 19ની બાનુબાઈ નિવાસ બિલ્ડિગમાં છાપો માર્યો હતો પરંતુ આરોપી અમિત વેતા છટકી ગયો હતો.  
પોલીસે કહ્યું હતું કે અમને માહિતી હતી કે આરોપી પહેલા માળે રહે છે તેથી અમે તેના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેની માતા અને બહેને કહ્યું હતું કે વેતા અગાસી પર છે, પોલીસની ટીમ અગાસીએ પહોંચી ત્યાં સુધીમાં વેતા ઘરમાંથી નીકળીને અંધારામાં ભાગી ગયો હતો, હજુ સુધી તે પકડાયો નથી.  
જો કે પોલીસને અગાસી પરથી વેતાએ સંતાડેલો 27,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળ્યો હતો. જેમાં 118 બોટલ બીયરની અને 56 બોટલ વ્હીસ્કીની છે. પોલીસે વેતા વિરૂદ્ધ બીમારીનો ફેલાવો તેમ જ ગેરકાયદે વેપલો કરવા સંબંધી કાયદાની કલમો હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer