દવાખાનું બંધ કરનારા 20 ખાનગી ડૉકટરોને પાલિકાએ નોટિસ ફટકારી

મુંબઈ, તા.4 : દરદીઓને તપાસવા માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) ન હોવાથી શહેરના કેટલાક જનરલ ફિઝિશિયનોએ દવાખાના બંધ કરતાં પાલિકાએ આવા 20 ડોકટરોને એપિડેમિક ડિસીઝ એક્ટ,1897નો ભંગ કરવા બદ્લ નોટિસ ફટકારી છે. બીજા કેટલા દવાખાના બંધ થયા છે તેની તપાસ પાલિકા કરી રહી છે. નોંધનીય છએ કે શહેરમાં અત્યાર સુધીમાં આઠ ડોકટરો અને ડઝનથી અધિક નર્સને કોવિદ-19નો ચેપ લાગ્યો છે. ખાનગી ડોકટરો પાસે પીપીઈ ન હોવાથી તેમને દરદીને તપાસતાં ડર લાગે છે. આથી તેઓ દવાખાના બંધ રાખવા લાગ્યા છે. 
પાલિકાના 24 વોર્ડમાં આશરે 300 જેટલા ખાનગી દવાખાના છે અને વોર્ડ અધિકારીને તેના વિશે તપાસ કરવાની કામગીરી સોપાઈ હોવાનું એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. 
નાબ પાલિકા કમિશનર હર્ષદ કાળેએ કહ્યું હતું કે, ખાનગી દવાખાનાને નોટિસ પાઠવવાનો આદેશ પાલિકા કમિશનર પ્રવિણ પરદેશીએ તાજેતરમાં આપ્યો હતો. જેમણે દવાખાના બંધ કર્યા છે તેમને ફરજ પર હાજર થવાનો આદેશ આપવાનો અધિકાર અમને આપવામાં આવ્યો છે. 
જસલોક હોસ્પિટલમાં એક દરદી લક્ષણો ન હોવા છતાં કોરોના પોઝિટિવ નીકળ્યો હતો તથા એક નર્સ અને પાંચ મેડિકલ સ્ટાફને આ ચેપ હોવાની જાણ થઈ હતી. આ જ પ્રમાણે સેવન હિલ્સ હોસ્પિટલમાં એક ઓર્થોપેડિક ડોકટર કોરોના પોઝિટિવ હોવાની જાણ થયા બાદ 40 મેડિકલ પ્રેકટિશનરને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. શહેરમાં લગભગ 300 મેડિકલ સ્ટાફ હોમ ક્વોરન્ટાઈનમાં છે. 
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ બેદરકારી બદ્લ પાલિકાને દોષ આપ્યો છે. એસોસિયેશનના પ્રમુખ અવિનાશ ભોંડવેએ જણાવ્યું હતું કે, જયારે માર્ચના બીજા સપ્તાહમાં શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો ત્યારે પાલિકાએ તમામ શંકાસ્પદ દરદીઓને તપાસવા અને તેમને કોરોના વાયરસ સેન્ટર મોકલવાનું કહ્યું હતું. પરંતુ ખાનગી પ્રેકટીશનરોને પીપીઈ આપ્યા નહોતા. તાજેતરમાં જોવા મળેલા કેટલાક કેસમાં જાણવા મળ્યું છે કે સર્જીકલ માસ્ક પહેરવા પર્યાપ્ત નથી. 
કાલીના જાંબલીપાડાના કોરોના પોઝિટિવ એક ડોકટરે જણાવ્યું હતું કે તેમણે દરદીને તપાસતા તમામ સાવધાની રાખી હતી. ત્રણ લેયરનો માસ્ક અને હાથમાં ગ્લવઝ પહેર્યા હતા, પરંતુ મને ખબર છે એટલું પૂરતું નથી. માસ્કમાં પણ જગ્યા હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. 
આ સમસ્યા દૂર કરવા પાલિકાએ તમામ ડોકટરોને ફરજ પર એન95 માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું હતું. તેમણે મેડિકલ સ્ટાફને એક લાખ એન95 માસ્ક અને પાંચ હજાર પીપીઈ પણ આપ્યા હતા. 
બીજી તરફ બોમ્બે સેન્ટ્રલ પાસે આવેલા વોકહાર્ટ હોસ્પિટલની 10 નર્સને હોસ્પિટલ વ્યવસ્થાપકોની ગફલતને લીધે કોરોનાનો ચેપ લાગ્યો છે. હોસ્પિટલના એસોસિએટ વાઈસ પ્રેસિડન્ટ ડો. પરાગ રિન્દાનીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના તમામ સ્ટાફના નમૂના કસ્તુરબા હોસ્પિટલને મોકલવામાં આવ્યા છે. અત્યારે ઈમરજન્સી સર્વિસ, ઓપીડી અને નવા એડમિશન બંધ છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer