કોરોના : મુકાબલો કરવા દેશ સજ્જ

કોરોના : મુકાબલો કરવા દેશ સજ્જ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર 14 કલાક માટે જનતા કર્ફ્યુને લઇને કાઉન્ટ ડાઉનની શરૂઆત થઈ ચૂકી છે. આને સફળ બનાવવા માટે ચારેબાજુ સમર્થનની જાહેરાત કરવામાં આવી રહી છે. આવતીકાલે તમામ પ્રકારની પરિવહન સેવા બંધ રહેનાર છે. આના માટે તમામ રાજ્યોએ પણ તૈયારી કરી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે આ જનતા કર્ફ્યુ રાખવા માટેની તૈયારી કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલે તમામ લોકોને પોતાનાં ઘરમાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જનતા કર્ફ્યુને પાળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. પોતાની સોસાયટીમાં પણ ન ફરવા માટેની સલાહ તમામ લોકોને આપવામાં આવી છે. પાર્કમાં પણ ન જવા માટે કહેવામાં આવ્યું છે. લોકો એકબીજાથી ન મળે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધીને 300 થઈ ગયા છે અને ચાર લોકોના મોત પણ થયા છે ત્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સવારે સાત વાગ્યાથી લઇને રાત્રે નવ વાગ્યા સુધી ઘરમાં રહેવા માટે તમામ લોકોને કહેવામાં આવ્યું છે. કોઇ ઘરમાં ઇમરજન્સી આવે તો ઘરની બહાર નીકળી શકો છો. આપની આસપાસની દુકાનો પર દૂધ - બ્રેડ લેવા માટે જઈ શકો છો. કારણ કે તે જરૂરી ચીજો છે જેના માટે આપને રોકવામાં આવનાર નથી. પોલીસ, મીડિયાવાળા, તબીબો ઘરથી બહાર નીકળી શકે છે. સફાઈની જવાબદારી ધરાવતા લોકો પણ ઘરની બહાર નીકળી શકે છે. વડાપ્રધાન મોદી પોતે કહી ચૂક્યા છે કે તેમના પર મોટી જવાબદારી હોય છે. મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરી છે કે સાંજે પાંચ વાગે બારી બારણા પર ઉભા થઈને તબીબો, પોલીસ જવાનો અને મીડિયાના લોકોને પાંચ મિનિટ માટે આભાર માનવામાં આવે તે જરૂરી છે. સાંજે પાંચ વાગે સાયરન મારફતે લોકોને આની સૂચના આપવા માટે કહેવામાં આવ્યું છે. એકબાજુ રેલવે દ્વારા રવિવારના દિવસે દેશભરમાં 3700 ટ્રેનો ન દોડાવવા માટેનો નિર્ણય કર્યો છે. આવી જ રીતે દેશની બે મોટી વિમાન કંપનીઓ ઇન્ડિગો અને ગોએરે આશરે એક હજાર ફ્લાઇટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રવિવારના દિવસે રદ્દ કરવામાં આવેલી ટ્રેનોમાં પેસેન્જર ટ્રેનની સાથે સાથે લાંબા અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સામેલ છે. રેલવેના કહેવા મુજબ શનિવાર અને રવિવારના દિવસે રાત્રે 10 વાગ્યા બાદથી દેશમાં કોઇ પણ સ્ટેશનથી કોઇ પણ મેલ અને પેસેન્જર ટ્રેન દોડનાર નથી. 
રેલવે દ્વારા જ્યારે આટલો મોટો નિર્ણય કરી દેવામાં આવ્યો છે ત્યારે તમામની વચ્ચે ચર્ચા ચાલી રહી છે. રેલવે દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે રવિવારના દિવસે 2400 ટ્રેનો રદ્દ થઈ જશે. અંદાજ મુજબ 1300 મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો આવતીકાલે બંધ રહેનાર છે. આશરે 1000 ફ્લાઇટ પણ બંધ રહેનાર છે. બોર્ડે નિર્ણય કર્યો છે કે જે યાત્રી ટ્રેનમાં છે અથવા તો બંધી દરમિયાન ટ્રેનોમાં આવી રહ્યા છે તેમને કોઇ પરેશાની ન થાય તે હેતુસર કેટલાક પગલાં લેવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ કહેવામાં આવ્યું છે કે ટ્રેનમાં કોઇ જગ્યાએ મોડેથી ભોજન મળશે નહીં. ફૂડ પ્લાઝા, રીફ્રેશમેન્ટરૂમ, જન આહારનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer