મહારાષ્ટ્રમાં કોરોનાના અસરગ્રસ્તોની સંખ્યા 11 વધવાની સાથે કુલ આંક 63

મહારાષ્ટ્રમાં કોરોનાના અસરગ્રસ્તોની સંખ્યા 11 વધવાની સાથે કુલ આંક 63
રાજેશ ટોપેએ કહ્યું પ્રવાસ કરવાનું ટાળો, લોકો નહીં સમજે તો જાહેર પરિવહન પણ બંધ કરાશે
મુંબઈ, તા.21 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના અસરગ્રસ્તોની સંખ્યામાં આજે 11નો વધારો થતાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ લોકોને આ વાઇરસનો ફેલાવો રોકવા જાહેર પરિવહનમાં પ્રવાસ કરવાનું ટાળવાની અપીલ કરી છે. ટોપેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 11ના વધારા સાથે 63 સુધી પહોંચી છે, તે ચોવીસ કલાકમાં મોટો વધારો કહેવાય, હવે આ બીમારીના સંક્રમણના બીજા તબક્કા બાદના ખતરનાક અને નિર્ણયક ત્રીજા તબક્કામાં આપણે પહોંચી રહ્યા છીએ. તેથી સાથે મળીને આ નરી આંખે ન દેખાતા દુશ્મનની સામે સહિયારી લડાઇ લડીને જીતવાની છે. 
જોકે, નવા 11 કેસોમાંથી આઠ નજીકના ભૂતકાળમાં વિદેશ યાત્રાએ ગયા હતા અને અન્ય ત્રણ તેમના નજીકના સંપર્કમાં હતા. આ 11માં દસ કેસ મુંબઈના અને એક પુણેનો હોવાનું પણ ટોપેએ કહ્યું હતું. જોકે, ચોવીસ કલાકમાં કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 52થી 63 પહોંચી એ મોટો વધારો કહેવાય, એમ ટોપેએ કહ્યું હતું. કુલ 63 દરદીઓમાં 13થી 14 કોરોનાના અસરગ્રસ્તોના સંપર્કમાં આવનારા છે જ્યારે બાકીના વિદેશથી કોરોનાની અસર લઇને આવ્યા છે. આના પરથી એમ કહી શકાય કે કોરોનાનો ફેલાવો વિદેશથી આવનારાઓના કારણે થઇ રહ્યો છે, એમ પણ ટોપેએ કહ્યું હતું.
ટોપેએ અપીલ કરી હતી કે અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નીકળવું અને વધુ સંખ્યામાં લોકો એકઠા ન થાય એ જરૂરી છે. લોકોએ એકબીજાથી સલામત અંતર રાખીને ચાલવું, બોલવું તેમ જ કામકાજ કરવું જોઇએ. હાલમાં જાહેર પરિવહન બંધ નથી કરાયું, પરંતુ જો લોકો જરૂરી સૂચના અને અપીલોનું પાલન નહીં કરે તો સરકારે ના છૂટકે જાહેર પરિવહન સર્વિસ બંધ કરવી પડશે, એમ પણ ટોપેએ કહ્યું હતું. જોકે, સરકાર પાસે ઓળખપત્રના આધારે અનિવાર્ય હોય એવા લોકોને પ્રવાસ કરવા દેવાનો વિકલ્પ પણ છે, એમ ટોપેએ કહ્યું હતું.
ટોપેના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસ ઠંડા વાતાવરણમાં વધુ સમય ટકી રહે છે એવો વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઇઝેશનનો અહેવાલ છે. તેથી સરકારી અૉફિસો અને અન્ય તમામ સ્થળોએ એસી બંધ રાખવા સહિતના દિશા નિર્દેશોનું પાલન પણ લોકોએ કરવું જોઇએ. 
મુંબઈ અને પુણેમાં સ્કૂલ કૉલેજો અને ધંધા-ઉદ્યોગ, બજારોમાં ઇમરજન્સી સિવાય સંપૂર્ણ લોક-ડાઉનની પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનભણી દોટ લગાવી રહ્યા છે એ ચિંતાજનક હોવાનું જણાવતા ટોપેએ કહ્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્રને વિનંતી કરી છે કે બહારગામ જતી ટ્રેનોની સંખ્યા વધારીને પોતાની મરજીથી વતનમાં જતાં લોકોના ક્રીનિંગ કરવામાં આવે અને ટ્રેનોમાં ભીડ ન થાય એવી વ્યવસ્થા કરવી જોઇએ. મુંબઈમાં જાહેર પરિવહન બંધ કરાવવાની ઇચ્છા કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હોવા છતાં મુંબઈમાં લોકલ ટ્રેનો ચાલુ છે તેના પર સરકારની બાજ નજર છે. હાલમાં અપીલ કરીને કામ ચલાવી રહ્યા છીએ. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં હોવાનું પણ ટોપેએ કહ્યું હતું. પવારે રાજ્યમાં ક્રીનિંગની સુવિધા વધારવાની અપીલ ડૉ. હર્ષવર્ધનને કરી હતી.
ટોપેના જણાવ્યા પ્રમાણે પવારે કેન્દ્રને અપીલ કરી હતી કે ખાનગી લૅબ્સને પણ કોરોનાના ટેસ્ટિંગની છૂટ મળવી જોઇએ ઉપરાંત મંજૂરી મળે તો આ કામ તો મેડિકલ કૉલેજો અને સરકારી હૉસ્પિટલોમાં પણ થઇ શકે છે. આવું કરાય તો ટેસ્ટિંગના રિપોર્ટ આવવાના સમયમાં ઘટાડો થઇ શકે.
ટોપેએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યની તમામ સરકારી અને પાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં અગાઉથી નક્કી તમામ પ્રકારના અૉપરેશનો મોકૂફ રાખવામાં આવ્યા છે અને રાજ્યમાં 7,000 ક્વોરન્ટાઇન બૅડ્સની વ્યવસ્થા ઊભી કરાઇ છે. હવે મુખ્ય પ્રધાન ઠાકરે પોતે રેલવે સ્ટેશનોની મુલાકાતે જઇને એ જોશે કે લોકો સરકારની અપીલને માન આપીને ભીડ ટાળી રહ્યા છે કે કેમ.
પુણેમાં એક એવી મહિલા કોરોના અસરગ્રસ્ત છે, જે નથી વિદેશમાં ગયા કે નથી કોઇ અસરગ્રસ્તના સંપર્કમાં આવી, એ વિશે ટોપેએ કહ્યું હતું કે આ મહિલાને કોરોનાની અસર કઇ રીતે થઇ એની તપાસ ચાલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer