વિશ્વ પર કોરોના સંકટ ઘેરાયું : 11,406નાં મોત

વિશ્વ પર કોરોના સંકટ ઘેરાયું : 11,406નાં મોત
ઈટલીમાં સૌથી વધુ 4032નાં અને ઈરાનમાં 1433નાં મોત : ભારતમાં અસરગ્રસ્તોની સંખ્યા 310 થઈ; ગુજરાતમાં કુલ 14 કેસ નોંધાયા
નવી દિલ્હી, તા. 21 : દુનિયા આખીના શ્વાસ અદ્ધર કરી દેનારા કોરોના વાયરસની જીવલેણ અસરથી વિશ્વના 185 દેશોમાં કુલ 11,406 મોત થઈ ચૂક્યા છે, તો આ ખતરનાક વાયરસના દર્દીઓની સંખ્યા 2,76,179 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાયરસના 39 વિદેશી સહિત કુલ 310 કેસ થઈ ચૂક્યા છે. ગઈકાલે શુક્રવારે એક દિવસમાં 64 દર્દી વધ્યા બાદ આજે 24 કલાક કરતાં ઓછા સમયગાળામાં નવા 66 દર્દી ઉમેરાયા હતા.
ભારતમાં ઘાતક ચીની વાયરસ ચાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. દેશના 22 રાજ્યોને બાનમાં લેનારા કોરોના વાયરસનો સૌથી વધુ પ્રભાવ મહારાષ્ટ્રમાં છે. આ રાજ્યમાં 63 દર્દી નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને 14 પર પહોંચી છે. કેરળમાં સાત વિદેશી અને 33 ભારતીય, હરિયાણામાં 14 વિદેશી, 4 ભારતીય, તેલંગાણામાં 11 વિદેશી, આઠ ભારતીય દર્દી નોંધાયા છે.
રાજધાની દિલ્હીમાં 1 વિદેશી અને 25 ભારતીય, રાજસ્થાનમાં 2 વિદેશી, 21 ભારતીય, ઉત્તરપ્રદેશમાં 1 વિદેશી, 23 ભારતીય દર્દી નોંધાયા છે.
લદ્દાખમાં 13, કાશ્મીરમાં 4, પંજાબમાં છ, કર્ણાટકમાં 16, ચંદીગઢમાં પાંચ, મધ્યપ્રદેશમાં ચાર, આંધ્ર, ઉત્તરાખંડ, તામિલનાડુમાં 3-3, ઓરિસ્સા, બંગાળ, હિમાચલમાં 2-2 દર્દી નોંધાયા છે.
બીજીતરફ, દુનિયાના અન્ય દેશોની સ્થિતિ પર નજર કરીએ તો માત્ર એક જ દિવસમાં આજે વધુ 627 મોત સાથે ભારે ઘાતક સંકટનો સામનો કરી રહેલા ઈટાલીમાં કોરોનાથી મરણનો આંક 4032 પર પહોંચી ગયો છે. આ આંક વિશ્વમાં સૌથી ઊંચો છે. ઈટાલીમાં 41,035 દર્દી છે.
અમેરિકામાં અત્યાર સુધી 230 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસની ટીમના એક કર્મચારીમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. વ્હાઈટ હાઉસમાં આ પ્રથમ મામલો છે. ન્યૂ જર્સી, કનેક્ટિકટ, પેંસિલ્વેનિયા, નેવાડા જેવા રાજ્ય તેમજ ન્યૂયોર્ક, લોસ એંજેલસ, શિકાગો જેવા મોટા શહેરો બંધ જ કરી દેવાયા છે.
જાપાનની ત્રણ મોટી કાર નિર્માતા કંપની ટોયોટા, હોન્ડા અને નિસાને અમેરિકામાં ઉત્પાદન હાલ રોકી દીધું છે. અમેરિકી અવકાશ એજન્સી નાસાએ ચંદ્ર પર બીજીવાર મનુષ્યને મોકલનારું આર્ટેમિસ મિશન રોકી દીધું છે.
ઈરાનમાં પણ હાલત ભારે ખરાબ છે. આ દેશમાં અત્યાર સુધીમાં 1433 લોકોને કોરોના ભરખી ગયો છે, તો 19644 દર્દી નોંધાયા છે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ 15 દિવસ સુધી તમામ બજારો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
ફ્રાન્સમાં વધુ 78 મોત સાથે મરણાંક 450 પર પહોંચ્યો છે. તુર્કીમાં પાંચ, યુએઈમાં બે લોકોનાં મોત થયાં છે, તો પાકિસ્તાનમાં ત્રીજું મોત થયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer