કોરોનાનો ભય વધારી રહ્યું છે ટેન્શન : સાચી માહિતી જ તેનો બચાવ

કોરોનાનો ભય વધારી રહ્યું છે ટેન્શન : સાચી માહિતી જ તેનો બચાવ
મનોચિકિત્સકો કહે છે કે સોશિયલ મીડિયાની ખોટી જાણકારીથી દૂર રહો
મુંબઈ, તા. 21 : દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના કેસ ભારતમાં પણ દિન-પ્રતિદિન બધી રહ્યા છે. આનાથી જાહેર જનતામાં ભયનો માહોલ છે અને તેમની માનસિક સ્થિતિ પર વિપરિત અસર થઈ રહી છે.
મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે ભયના માહોલના કારણે લોકો ભલે શારીરિક રીતે બીમાર ન હોય પણ  આ ભય અને ગભરાટ તેમના માનસિક આરોગ્યને નબળું પાડી રહ્યા છે. જો તેને અંકુશમાં લેવામાં ન આવે તો આવનારા સમયમાં આ સ્થિતિ તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
મનોચિકિત્સકોના જણાવ્યા મુજબ આવી ગભરાટના વાતાવરણમાં અગાઉથી જ માનસિક બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોની હાલત વધુ કફોડી થઈ છે. તો કેટલાક નવા લોકો પણ માનસિક બીમારીમાં સપડાઈ રહ્યાં છે. 
શહેરના વરિષ્ઠ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. વિપુલ રસ્તોગીનું કહેવું છે કે ``વાઇરસની ડરથી કેટલાક લોકોમાં અસલામતીનો માહોલ ઊભો કર્યો છે કે આગળ જતાં નોકરી કહેશે કે નહીં? બાળકોના જીવનનું શું થશે? જો અમને વાઇરસ લાગશે તો પરિવારનું શું થશે? આથી લોકોમાં એંક્ઝાઇટી (તાણ), ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે.
જે લોકો અગાઉથી જ ડિપ્રેશન જેવી સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે તેમાંથી 70 ટકાના કેસ ગભરાટથી વધુ બગડી ગયા છે. તેઓ અમારી સાથે કોરોના વાઇરસની જ વાત કરે છે.
આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારી છે તેમને પણ આની વિપરિત અસર થઈ રહી છે. જેઓ આમ આદમી છે તેઓ સોશિયલ મીડિયા મારફતે જે સાંભળે છે તેનાથી પણ તેમના મનમાં ભય પેસી ગયો છે બેચેની આવી ગઈ છે. તેમની માનસિક હાલત પણ બગડી રહે છે.
આમાંથી કેમ બચવું?
ડૉ. વિપુલ કહે છે કે આનાથી બચવા આપણે આપણી જાતને પૉઝિટિવ રાખવી પડશે. સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. કારણ કે તેના પર ઘણા નૅગેટિવ સમાચાર આવે છે અને મોટા ભાગે તેને કોઈ સત્તાવાર સમર્થન નથી હોતું.
આપણે જોઈએ છીએ કે કોરોનાથી થતા મોતનો રેશ્યો ઘણો ઓછો છે. એટલું જ નહીં અનેક લોકો તેમાંથી સાજા થઈ રહ્યા છે. ગભરાટમાં નથી આવવું પણ સાવચેતી રાખવાની છે. ડૉક્ટર કહે છે કે ઘણા લોકો ઓવર પ્રોટેક્ટિવ થઈ જાય છે. ત્યારે એંકઝાઇટી વધી જાય છે. તેની સારવાર માટે સાચી જાણકારી આપવી અતિ મહત્ત્વનું છે.
સ્ટ્રેસમાંથી કેમ બચવું?
  • મુશ્કેલ પરિસ્થિતિમાં દુ:ખી થવું ડરવું, તણાવ અનુભવવો એ સામાન્ય બાબત છે.
  • જે લોકો પર તમને વિશ્વાસ છે તેમની સાથે વાત કરો તો તેઓ મદદગાર થઈ શકે છે. અને તમારી તાણ ઓછી થઈ શકે છે.
  • આરોગ્યપ્રદ લાઇફસ્ટાઇલ અપનાવો. ખાવા પીવાનું પૂરતું અને સાત્ત્વિક રાખો. પૂરતી ઊંઘ લો, વ્યાયામ કરો અને પ્રિયજનોનાં સંપર્કમાં રહો.
  • તાણ ઓછી કરવા ધૂમ્રપાન, ડ્રગ્સ કે શરાબનો સહારો નહીં લો.
  • જો તમને એવું લાગે કે હું જીવનથી હારી રહ્યો છું તો તમારા ડૉક્ટર કે મનોચિકિત્સક સાથે વાત કરો.
  • શારીરિક કે માનસિક જરૂર પડે તો ક્યાં જવું પડશે અને કોની મદદ લેવી પડશે તેનું અગાઉથી પ્લાન બનાવી લેવું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer