ગુજરાતમાં જનતા કફર્યુને વિવિધ સરકારી એજન્સીઓ તથા વેપાર ઉદ્યોગોનું વ્યાપક સમર્થન

ગુજરાતમાં જનતા કફર્યુને વિવિધ સરકારી એજન્સીઓ તથા વેપાર ઉદ્યોગોનું વ્યાપક સમર્થન
એસટીમાં તા. 22 માર્ચનું બુકિંગ કરાવનાર મુસાફરોને મળશે 100 ટકા રિફંડ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21: નોવેલ કોરોના વાઈરસના સંક્રમણથી નિયંત્રણમાં લેવાના થતા નિવારાત્મક પગલાંઓ સંદર્ભે ભારત સરકારે જાહેર હિતમાં તા. 22મી માર્ચ,2020ને રવિવારના રોજ સવારના 7થી રાત્રિના 9.00 કલાક સુધી જનતા કફર્યુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારત સરકારના આ નિર્ણયના સમર્થનમાં તેમજ જાહેર જનતાના હિતોને ધ્યાને લઇને તા. 22મી માર્ચના રોજ તમામ પ્રકારની પરિવહન સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે તેમજ જે મુસાફરોએ તા. 22મી માર્ચની ટિકીટો બુક કરાવી હશે તેમને 100 ટકા રિફંડ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. 
જનતા કર્ફ્યુમાં જોડાનારા અન્ય સંગઠનોમાં અમદાવાદ ઓપ્ટિકલ એસોસિયેશન, ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસિયેશન, અમદાવા ટીમ્બર મર્ચન્ટ એસોસિયેશન, સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન, શ્રી પાંચકુવા કાપડ મહાજન, અમદાવાદ ટીમ્બર મર્ચન્ટ એસોસિયેશન, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન, ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનનો સમાવેશ થાય છે. 
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા વધુમાં વેપારીઓને સંબોધીને એક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક દુકાનમાં સેનિટાઇઝર રાખવા, બજારમાં 4 વ્યક્તિથી ભેગા ન થવું, સફાઇ પર પૂરતુ ધ્યાન આપવું, 60 વર્ષથી ઉપરના વેપારી મિત્ર કે કર્મચારીએ બજારમાં આવવાનું ટાળવું, બને ત્યાં મુસાફરી ટાળવી જેવા સુચનો કર્યા છે. 
મસ્કતી કાપડ માર્કેટ મહાજને એક યાદીમાં જણાવ્યું હતું કે દેશાવરોના વેપારીઓની માર્કેટમાં વધુ આવજાવનની નોંધ લઇ મહામારીના વ્યાપનો રોકવા શહેરના કાપડ વ્યવસાયકાર મહાજનોની બેઠક મળી હતી જેમાં સાવચેતીરૂપે આગામી 21.3.20થી 24.3.20 સુધી તમામ કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આમાં વિવિધ 12 જેટલા કાપડ માર્કેટનો સમાવેશ થાય છે. 
આ ઉપરાંત 22 માર્ચના જનતા કર્ફ્યુ તેમજ વર્તમાન પરિસ્થિતિ તથા માર્ચ એન્ડિંગના કારણે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં તા. 22 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ગોંડલ માર્કેટ યાર્ડ પણ તા. 25 માર્ચથી 2 એપ્રિલ સુધી બંધ રહેનાર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer