કોરોનાને પગલે ગાયક સોનુ નિગમે દુબઈ ખાતેનું રોકાણ લંબાવ્યું

કોરોનાને પગલે ગાયક સોનુ નિગમે દુબઈ ખાતેનું રોકાણ લંબાવ્યું
ભારતમાં લોકો સામે ખતરો ઊભો કરવા નથી માગતો
મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : ગાયક સોનુ નિગમે તેનું દુબઈ ખાતેનું રોકાણ લંબાવવાનો નિર્ણય કર્યો છે કારણ કે તેઓ એવું માની રહ્યા છે કે કોરોના વાઇરસના રોગચાળાની વચ્ચે પ્રવાસ કરીને આસપાસના લોકોને ખતરામાં મૂકવાનું યોગ્ય નથી.
અગાઉ ગાયક હિમાલયાઝમાં હતા અને 6 માર્ચના યોજાનારા એક સંગીત જલસા માટે મુંબઈ આવવા માગતા હતા, પરંતુ કોવિદ-19ને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પત્ની અને પુત્ર સાથે દુબઈ જવાનો નિર્ણય કર્યો હતો અને હાલ તેઓ સહપરિવાર ત્યાં જ છે. `હું નસીબદાર છું કે પત્ની અને પુત્ર સાથે હાલ દુબઈમાં છું. મારો પુત્ર અહીંયા અભ્યાસ કરે છે અને મારે વારંવાર અહીં આવવું પડે છે. દુબઈ મારું બીજું મથક છે. પરંતુ મારા પિતા અને બહેન ભારતમાં એકલાં રહે છે. હું ભારત આવવા ઇચ્છુ છું જેથી પિતા અને બહેન સાથે રહી શકું, પરંતુ મને એવું લાગે છે કે જો હું ભારત પાછો આવું તો આ વાઇરસના ખતરા સામે તેમને મૂકી દઉં. કોણ જાણે છે કે આ ખતરો કેટલો છે?' એમ સોનુ નિગમે જણાવ્યું હતું.
46 વર્ષના આ ગાયકે જણાવ્યું હતું કે `બધા જ લોકો સાવચેતીના ંપગલાં ભરી રહ્યાં છે અને હું એવી ખાતરી કરવા માગું છું કે મારી આસપાસના લોકોનાં આરોગ્યને આંચ ન આવવી જોઈએ.'
`મને લાગે છે કે આપણે આ વાઇરસ કરતાં વધુ હોશિયાર થવાની જરૂર નથી. મારે પરિસ્થિતિ રાબેતા મુજબની થાય ત્યાં સુધી રોકાણ લંબાવવું છે. ભારત આવીને પછી કોરેન્ટાઇનમાં રહેવું વધુ ખતરનાક છે' એમ સોનુએ જણાવ્યું હતું.
સોનુએ જણાવ્યું હતું કે રવિવારે સોશિયલ મીડિયા પર લાઇવ મ્યુઝિક કોન્સર્ટનું સંચાલન કરશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer