નાણાકીય પ્રણાલીને વ્યવસ્થિત ચલાવવા આરબીઆઈના 14 હજાર કર્મચારીઓ ઘરેથી કામ કરે છે

નાણાકીય પ્રણાલીને વ્યવસ્થિત ચલાવવા આરબીઆઈના 14 હજાર કર્મચારીઓ ઘરેથી કામ કરે છે
150 કર્મચારીઓ ગુપ્ત સ્થાનેથી કાર્યરત
મુંબઈ, તા.21 : કોરોનાના કહેરને લીધે આખો દેશ લોકડાઉન છે એવામાં નાણાકીય પ્રણાલીને ચાલુ રાખવા માટે 19 માર્ચથી 150 લોકોની એક ટીમ ગુપ્ત જગ્યાએ કામ કરી રહી છે. 
આ 150 લોકોમાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ના કટોકટી વિભાગના 37 કર્મચારીઓનો સમાવેશ છે, જે કામકાજ ચાલુ રાખવા માટે ડેબ્ટ મૅનેજમેન્ટ, રિઝર્વ મૅનેજમેન્ટ અને થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ તરીકે કામકાજ કરી રહ્યા છે. 
ચુકવણી અને સેટલમેન્ટ પ્રણાલીને 24 કલાક વ્યવસ્થિત ચલાવવા માટે આરબીઆઈના ઈનફોર્મેશન ટેકનૉલૉજી (આઈટી) ઈન્ફ્રાસ્ટ્રકચરને ટકાવી રાખવા આરબીઆઈના વરિષ્ઠ અધિકારીઓને બાદ કરતાં 14,000 જેટલા કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. બૅન્કિંગ પ્રણાલી, રિટેલ ચુકવણી, સરકારી ટૅક્સ અને અન્ય ચુકવણી અવિરતપણે ચલાવવા આરબીઆઈનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર સુસજ્જ ચાલે તે જરૂરી છે. સૂત્રોએ કહ્યું કે, આ પ્રણાલી વિવિધ ડેટા સેન્ટર્સથી સંચાલિત છે અને સતત લાઈવ રહે તે પણ જરૂરી છે. 
150 કર્મચારીઓની બે ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ કાર્યપ્રણાલી ચલાવી રહ્યું છે અને બીજી ટીમ બેકઅપની ભૂમિકામાં છે. મુખ્ય ડેટા સેન્ટર સક્રિય છે અને બીજા સેન્ટર્સને સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવ્યા છે. આ કર્મચારીઓ કામ કરી શકે તે માટે આરબીઆઈએ ડેટા સેન્ટર્સની આસપાસની હૉટેલમાં રૂમ બુક કર્યાં છે. હૉટેલના સિક્યોરિટી, કિચન, ફ્રન્ટ ડેસ્ક અને એડમિનિસ્ટ્રેશન સમાવિષ્ટ 69 લોકોના સપોર્ટ સ્ટાફને પણ અલગ (આઈસોલેટેડ) રાખવામાં આવ્યા છે.
આમ કુલ 219 લોકો ઉપર હૉટેલની બહાર જવા ઉપર પ્રતિબંધ છે, પરંતુ અત્યંત મહત્ત્વના કૌટુંબિક કારણોને લીધે તેમને રજા આપવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે. આરબીઆઈના ડેટા સેન્ટર્સમાં અત્યંત મહત્ત્વની પ્રણાલી જેવી સ્ટ્રકચર્ડ ફાઈનાન્સિયલ મેસેજિંગ સિસ્ટમ, આરટીજીએસ, એનઈએફટી, ઈ-કુબેરનો સમાવેશ છે. ઉપરાંત આ ડેટા સેન્ટર આરબીઆઈની વેબસાઈટ, ઈમેઈલ અને અન્ય 35 કામકાજ સંભાળશે. વિવિધ નોન-આઈટી અને આઈટી સર્વિસીસ માટે 600 થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઈડર્સ અને બૅન્કના 60 કર્મચારીઓને ડેટા સેન્ટર્સમાં મૂકવામાં આવ્યા છે.  મુખ્ય ડેટા સેન્ટર્સ સરકાર, પાલિકા, પોલીસ, હૉસ્પિટલ્સ, ડૉક્ટર વગેરેના સંપર્કમાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer