કોરોના : પાલિકા કમિશનરે હૉસ્પિટલોને આપ્યા દિશાનિર્દેશ

કોરોના : પાલિકા કમિશનરે હૉસ્પિટલોને આપ્યા દિશાનિર્દેશ
તબિયત સારી હોય એવા અન્ય દરદીઓને ઘરે મોકલીને બૅડ ખાલી કરાવવા આદેશ
મુંબઈ, તા.21 (પીટીઆઇ) : કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા મુંબઈ પાલિકાના કમિશનર પ્રવિણ પરદેસીએ ઘરની બહાર અનિવાર્ય કારણોસર નીકળતા લોકો ભીડ ન કરે અને એકબીજાથી સલામત અંતરે રહે (સોશિયલ ડિસ્ટેન્સિંગ) એ માટે તેમ જ શહેરમાં જો અચાનક કોરોનાનો ફેલાવો ફાટી નીકળે તો શહેરની હૉસ્પિટલોને અન્ય દરદીઓની સંખ્યા ઘટાડીને સજ્જ કરવા સંબંધે કેટલાંક આદેશો બહાર પાડયા છે. શનિવાર સુધીમાં મુંબઈમાં 11 કોરોના પોઝિટિવ વ્યક્તિની સારવાર થઈ રહી છે, સારવાર હેઠળના 127 શંકાસ્પદોના નમૂનાના પરિણામની રાહ જોવાઈ રહી છે જ્યારે 100થી વધુ લોકોને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા છે.
પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એપિડેમિક ડિસિઝીસ ઍક્ટ, 1897 અંતર્ગત મળેલી સત્તા અંતર્ગત પાલિકા કમિશનર પ્રવિણ પરદેસીએ કોરોના વાઇરસના ફેલાવાના સંભવિત જોખમને ધ્યાનમાં લઇને શુક્રવારે રાત્રે પાલિકાની હૉસ્પિટલો માટે ખાસ દિશા નિર્દેશો બહાર પાડીને મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિતના જરૂરી તબીબી સાધન-સરંજામ તેમ જ પથારીઓની સંખ્યા વધારવાનું કહ્યું છે. આ આદેશમાં જણાવાયું છે કે હાલમાં અન્ય બીમારીઓની સારવાર લઇ રહેલા દરદીઓને જો જરૂર ન હોય તો સઘન સારવાર કે ખાસ રૂમમાં ન રાખવા અને સારી તબિયત હોય તો તેમને તત્કાળ ઘરે મોકલી આપવા જેથી હૉસ્પિટલોમાં ખાલી બૅડની સંખ્યા વધારી શકાય. જે દરદીઓની હાલત ગંભીર હોય અને સ્પેશિયલ ફેસિલિટી જરૂરી હોય એમને જ આવી સગવડ આપવી. અન્ય દરદીઓમાંથી જેમને ઘરે મોકલી શકાય એમ ન હોય અને નાની-મોટી સારવારની જરૂર હોય તેમને તેમના ઘરની આસપાસના નાના-મોટા ક્લિનિકમાં મોકલી આપવાનું પણ કમિશનરે આદેશમાં જણાવ્યું છે.
આ સાથે જ કમિશનરે હૉસ્પિટલોને તત્કાળ અસરથી હાઇપરટેન્શન, અસ્થમા, ડાયાબિટિસ, થાઇરોઇડ, હેમોટોલોજી અને ગેરિએટ્રિક જેવી બીમારીઓ માટેના રોજિંદા આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) પણ થોડા દિવસો બંધ રાખવાનું કહ્યું છે. ખાસ તો ઓપીડીમાં આ સિવાયના રોજના માત્ર 100 દરદીઓને જ તપાસવાનું કહેવાયું છે જેથી દરદીઓની ભીડ ન થાય.
કોરોના વાઇરસના પ્રાથમિક લક્ષણો શરદી, તાવ અને કફ હોવાથી પાલિકા કમિશનરે તમામ હૉસ્પિટલોમાં આવા લક્ષણો ધરાવતા દરદીઓ માટે ખાસ ક્રીનિંગ ઓપીડી 24 કલાક ઊભી કરવાનો આદેશ કર્યો છે, 24 કલાક આવી ઓપીડીના કારણે કોરોના સંબંધી તપાસ ઇચ્છતા દરદીઓની ભીડ ટાળવા આ આદેશ આપવામાં આવ્યા છે. પાલિકા કમિશનરના આદેશમાં કહેવાયું છે કે આવા જે દરદીઓ કોરોના શંકાસ્પદ જણાય તેમને તત્કાળ કસ્તૂરબા હૉસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવે, સાથે સાથે નજીકના ભૂતકાળમાં તેમની વિદેશ યાત્રા સંબંધી કોઈ વિગતો હોય તો તેના પરિવારજનોને પણ વહેલી તકે ક્રીનિંગ માટે લાવવા. 
હૉસ્પિટલોમાં રોજિંદા કે ટાળી શકાય એવા અૉપરેશનો કે સર્જરી પણ થોડા દિવસો મોકૂફ રાખવાનો આદેશ કરાયો છે. હૉસ્પિટલોના વૉર્ડ્સમાં બે બૅડ વચ્ચે સલામત અંતર રાખવું તેમ જ ફ્લોરની લોબીમાં કે અન્યત્ર ક્યાંય બૅડ ન હોવા જોઇએ એવી સૂચનાઓ પણ અપાઇ છે. દરેક હૉસ્પિટલને રક્તનો પુરવઠો પૂરતો રાખવા બ્લડ ડોનેસન કૅમ્પ યોજવાનું પણ કહેવાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer