લખનઊમાં આસફી મસ્જિદમાં જુમાની નમાઝ નહીં યોજાય

લખનઊમાં આસફી મસ્જિદમાં જુમાની નમાઝ નહીં યોજાય
લખનઊ, તા. 21 : અગ્રણી શિયાપંથી મૌલાના કલ્બે જાવદે કોરોના વાઈરસના વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લઈને 31 માર્ચ સુધી બડા ઇમામ વાડામાં આવેલી આસફી `જુમા' (શુક્રવાર)ની નમાઝ નહીં યોજવાની ઘોષણા કરી છે. પરિણામે, 27 માર્ચના શુક્રવારે આ મસ્જિદમાં શુક્રવારની નમાઝ નહીં થાય. કલ્બે જાવદ આસફી મસ્જિદમાં જુમાની નમાઝના પેશઈમામ (નમાઝ પઢાવનારા) છે.
આવતાં બે અઠવાડિયાં સુધી વિવિધ રાજ્યોમાં શુક્રવારની નમાઝ રદ કરવાની અપીલ પણ તેમણે ઇમામોને કરી છે.
ભીડ ધરાવતાં સ્થળોથી દૂર રહેવાની ડૉક્ટરોની સલાહને આપણે માનવી જોઈએ. વરિષ્ઠ મૌલાનાઓએ પણ આવી જ સલાહ આપી છે, તેથી ગઈકાલે આસફી મસ્જિદમાં નમાઝ યોજવામાં નહોતી આવી અને હવે 27મી માર્ચના શુક્રવારે પણ નમાઝ નહીં યોજાય, જેથી વાઈરસનો ફેલાવો અટકાવી શકાય, એમ એક નિવેદનમાં કલ્બે જાવદે જણાવ્યું હતું.
ગયા બુધવારે અગ્રણી સુન્ની મૌલાના ખાલિદ રસીદે પણ વયોવૃદ્ધ નાગરિકો, બાળકો અને બીમાર વ્યક્તિઓને મસ્જિદમાં નહીં જવાની સલાહ આપી ઘરે રહેવા જણાવ્યું હતું.
દાઉદી બોહરાઓને ઘરે સામૂહિક નમાઝનું સૈયદનાનું ફરમાન અમાન્ય ડૉ. સૈયદના મુફ્ફદલ સૈફુદ્દીને દાઉદી બોહરાઓને તેમના ઘરની અંદર કમસે કમ 15 જણા સાથે સામૂહિક નમાઝ પઢવાના આપેલા આદેશને કોરોના વાઈરસના કારણે નકારી કાઢવામાં આવ્યો છે.
અમુક દાઉદી બોહરાઓએ જણાવ્યું કે `સોશિયલ ડિસ્ટન્સિંગ'ના હેતુને સાર્થક કરવા અને પરિવારના અન્ય સભ્યોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને અમે ધર્મગુરુના આદેશનું પાલન કરી શકીએ તેમ નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer