અખાતમાંથી આવ્યા 500 પુરુષો

અખાતમાંથી આવ્યા 500 પુરુષો
તમામને ક્વોરન્ટાઈન હેઠળ મુકાયા, તેમને બસ અને કારમાં વતન મોકલાશે
મુંબઈ, તા. 21 : મધ્યપૂર્વના દેશોમાંથી પ્રથમ બેચમાં 500 પુરુષો શુક્રવારે શહેરમાં આવી પહોંચ્યા હતા. તેમનું આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને નજીકની 10 હોટલો, આઈઆઈટી પવઈ ગેસ્ટ હાઉસ અને અન્ય ગેસ્ટહાઉસ ખાતે રાખવામાં આવ્યા હતા. 
મોટા ભાગના આ લોકોને સી કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, જેનાથી તેઓ 14 દિવસ માટે ક્વોરન્ટાઈનમાં રહી શકશે. આ પ્રવાસીઓને બસો દ્વારા તેમના વતન મોકલવામાં આવશે કારણ કે આટલા બધા લોકોને મુંબઈમાં રાખી શકાય નહિ.
મોટા ભાગના આ લોકો ગુજરાત, કર્ણાટક અને મધ્યપ્રદેશના છે. ``મોટાં જૂથોને અમે બસોમાં અને નાનાં જૂથોને કારમાં મોકલાવશું.'' અમે સંબંધિત રાજ્ય સરકારોના સંપર્કમાં છીએ, એમ ઉપનગરીય કલેક્ટર મિલિંદ બોરીકરે જણાવ્યું હતું.
સિટી કલેક્ટર રાજીવ નિવત્કરે જણાવ્યું હતું કે, ઉપનગરની હોટલો અને ગેસ્ટ હાઉસમાં જો તેમને સમાવી નહીં શકાય તો નવી મુંબઈમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવશે.
``500 પુરુષો જ્યારે એક સાથે હોટલોમાં આવી પહોંચ્યા ત્યારે ભારે અંધાધૂંધી સર્જાઈ હતી. અમે જેમ બને તેમ જલ્દી તેમને તેમના વતન મોકલી દેશું. અમે પોલીસ બંદોબસ્ત પણ માગ્યો છે'' એમ આ કાર્યવાહીમાં સંડોવાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, 26 માર્ચ અને 31 માર્ચની વચ્ચે યુએઈ, કુવૈત, કતાર અને ઓમાનથી અંદાજે 26,000 ભારતીયો સ્વદેશ પાછા ફરવાના છે. આ દેશોમાંથી દરરોજ 23 ફ્લાઈટ મુંબઈ આવે છે.
500 પુરુષોમાંના મોટા ભાગના મજૂરો છે. તેમના ખતરાના સ્તર અને વતન પ્રમાણે તેમને અલગ અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે. જેઓ તંદુરસ્ત છે અને મુંબઈમાં ઘર ધરાવે છે તેમને જવા દેવામાં આવશે, પરંતુ તેમને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.
`ઓછા ખતરાની કેટેગરીમાં આવતા અને જેઓ પુણે અને નાસિકના છે તેમને ખાનગી વાહનોમાં તેમના વતન મોકલી દેવામાં આવશે.' એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બધા લોકોને સ્ટેમ્પ લગાવી દેવામાં આવ્યો છે અને તેમને દેશનાં અન્ય શહેરોને જોડતી ફ્લાઈટ પકડવાની છૂટ આપવામાં આવશે નહિ. તેમને જમીન માર્ગે જ મોકલવામાં આવશે જેથી તેઓ અન્ય માટે ખતરો ન બને.''

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer