કોરોના : તબીબી અંાતરમાળખું સુસજ્જ કરતું તંત્ર, એડવાઈઝરીમાં અપાઈ તાકીદ

નવી દિલ્હી, તા. 21 : કેન્દ્ર સરકારે તમામ હોસ્પિટલો અને તબીબી શિક્ષણસંસ્થાઓ-જાહેર અને ખાનગી બેઉ-ને જારી કરેલી એડવાઈઝરીમાં તાકીદ કરી છે કે કોવિડ-19 સામે બાથ ભીડવાની સજ્જતા ઉભી કરવા પથારીઓ અલાયદી રાખે, આઈસોલેશન સુવિધાઓ તૈયાર રાખે, પૂરતી સંખ્યામાં વેન્ટીલેટર્સ, હાઈ ફલો ઓકસીજન માસ મેળવી રાખે તેમ જ અતિરિકત મેનપાવર એકઠો કરી રાખે. કોરોનાના કેસોમાં ઉછાળો કે જુવાળ ભલે નથી આવ્યો પણ તે વધવાનું ચાલુ છે તે જોતાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે અને તેમાં, મોટી સંખ્યામાં દર્દીઓની તાકીદની સ્થિતિને પહોંચી વળે તેવી હેલ્થકેર સિસ્ટમની જરૂર હોવાનું સરકારનું મૂલ્યાંકન જોવા મળી રહ્યું છે.
હજી સુધી તે કોઈ સમુદાયમાં ફેલાયો નથી તે છતાં એવા સીનારીઓ માટે અને દેશભરમાં સ્રોતોના સમાન વિતરણ અંકે કરવા તબીબી સુવિધાઓની તૈયારી કરવામાં આવી રહી છે.
ક્ષમતા ઉભી કરવાની અને જરૂરી જણસો મેળવી લેવાની દૃષ્ટિએ સજ્જતા ઓર ઉન્નત બનાવવાના પગલા પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર અને ખાનગી હોસ્પિટલોમાં આશરે 17 હજાર આઈસોલેશન પથારી અનામત રખાઈ હતી, તે વધારીને અત્યાર સુધી 19,111 પથારી અનામત રખાઈ છે. એવી જ રીતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વેન્ટીલેટર્સની સંખ્યા અઢી ગણી કરવામાં આવી છે અને દેશભરમાં આશરે 60 હજાર કવોરેન્ટીન પથારીઓ અલાયદી રખાઈ છે.
હોસ્પિટલોને સલાહ અપાઈ છે કે કોવિડ-19ના એક પણ શકમંદ કેસને પાછો કાઢવો નહીં અને તેવા જે કોઈ કેસને દાખલ કરવામાં આવે  તે અને ન્યુમોનિયાવાળા અન્ય તમામ દર્દીઓને નોટીફાય કરવામાં આવે. આવા દર્દીઓને ય કોવિડ-19 માટે ટેસ્ટ કરવાના રહે.
અત્યાર સુધી સરકારનું ટેસ્ટિંગ પ્રોટોકોલ, કોવિડ-19થી અસરગ્રસ્ત દેશોના પ્રવાસ કર્યો હોય કે એવા લોકોના સંપર્કમાં આવેલા હોય તેવાઓ પૂરતી સીમિત હતી. ગઈ મોડી સાંજે જારી થયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે કોવિડ-19ના દર્દીઓમાંના સંભવિત ધસારા માટે દેશમાંનુ તબીબી અંાતરમાળખું તૈયાર હોવાની જરૂર છે.
31મી માર્ચ સુધીના પગલા સૂચવાયા છે અને તેની સમીક્ષા કરાશે. જનતા કર્ફયુના દિવસે તમામ હોસ્પિટલો સજ્જતાની ડ્રિલ-કવાયત-હાથ ધરાશે અને આરોગ્ય મંત્રાલયે વિગતવાર માર્ગદર્શિકા જારી કરી છે.
જો વધુ ગંભીર કેસો થવાના નિદાન થાય તો તેના બોજને પહોંચી વળવા આરોગ્ય આંતરમાળખાએ કદાચ સંઘર્ષ કરવા પડે તે ચિંતા નિવારવા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓને આવતા રોકવા સરહદો વાસી દેવા સહિતના શ્રેણીબદ્ધ પ્રોએકટીવ પગલા થકી સાંપડેલી ધાર જાળવી રાખવાનો એડવાઈઝરી પાછળનો ઈરાદો છે.
અત્યાર સુધી કોવિડ-19ના પોણા બસોથી વધુ કેસ હોસ્પિટલાઈઝ થયા તેમાંના પચીસેક સાજા થઈ ચૂકયા છે, પાંચ મૃત્યુ થયા છે. એડવાઈઝરીમાં હોસ્પિટલોને સાજા થયેલા દર્દીઓને શકયતમ વહેલા રજા આપવા અને અન્ય એડમિશનો નિયંત્રિત રાખવા સૂચના અપાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer