કોરોના : બ્રિટનમાં સુપર માર્કેટ સામાજિક જવાબદારી ઉઠાવે છે

ભરત જોશી તરફથી
લંડન, તા. 21 : બ્રિટનમાં એક તરફ ભયને કારણે બેફામ ખરીદી થઇ રહી છે તો સામે પબ, બાર, રેસ્ટોરન્ટસ બંધ થયાં છે. સુપર માર્કેટસમાં સ્ટાફની અછત હોઇ ધડાધડ ખાલી થઇ રહેલાં માલને સેલ્ફમાં ગોઠવવાનો પણ સમય નથી. લોકોની ડિમાન્ડને પહોંચી વળવા સ્ટોક મંગાવવામાં આવે છે. પરંતુ તે સુપર માર્કેટમાં ગોઠવી શકાતો નથી. આવા સમયે આસ્દા કો.ઓ. ટેસ્કો સહિતની યુરોપની મોટી ગણાતી સુપર માર્કેટ દ્વારા હંગામી સ્ટાફ ભરવા અને પબ, રેસ્ટોરન્ટ, બાર બંધ થતાં બેકાર થયેલાં લોકોને રોજગારી આપવા નિર્ણય કરાયો છે. હંગામી ધોરણે ત્રણ અઠવાડિયા સુધી તેઓ સુપર માર્કેટમાં ફલોર પર કામ કરી શકે તેવા લોકોને બોલાવવા લાગ્યાં છે. અઠવાડિયે પગાર મેળવતા અને હાઉસરેન્ટ ભરતા લોકો આર્થિક મહામારીનો ભોગ ન બને તે માટે આ એક સરકારને સહાય કરતો નિર્ણય છે. જીવનજરૂરી વસ્તુઓનો ઉપાડ લોકડાઉન સમયે વધી જવા પામશે. ત્યારે દરેક ગ્રાહકને વસ્તુઓ સમયસર મળી રહે તે માટે સુપર માર્કેટ આગળ આવી છે. નાના દુકાનદારો તકનો લાભ લઇ બમણાં ભાવ ઉઘરાવતા હોવાની ફરિયાદો વચ્ચે સુપર માર્કેટ ભાવ ટુ ભાવ જ વસ્તુઓ વેંચી એક ઉત્તમ ફરજ બજાવતી જ હતી. જેમાં આ એક નવું પીછું ઉમેરાયું છે. લોકો ઘરમાં જ રહે તો ઓનલાઈન ઓર્ડર પણ વધશે તેને ધ્યાને લઇને ડિલિવરીમેનની પણ હંગામી ભરતી કરવામાં આવનાર છે. તકનો લાભ ન લઇ લાભ આપવાની આવેલી તકને બખુબી ઝડપી લઇ સુપર માર્કેટ દ્વારા જે નિર્ણય કરાયો છે તે કેપિટલ સિટી લંડનથી લઇને સમગ્ર બ્રિટન માટે રાહતરૂપ છે. કોઇપણ સમસ્યાનો ખભેખભા મિલાવી સામનો કઇ રીતે કરવો તેનું આ ઉદાહરણ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer