દેશમાં ચાર નવા મેડિકલ ડિવાઇસ પાર્ક બનશે

ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને પ્રોત્સાહન માટે યોજના સહિતનાં કેબિનેટના નવ નિર્ણયો : પરીક્ષણો અને યોગ સુવિધા માટે કેન્દ્રો
નવી દિલ્હી, તા. 21 : કેન્દ્રીય મંત્રીમંડળની શનિવારે મળેલી બેઠકમાં ચિકિત્સા ક્ષેત્રે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે પીએમ મોદીના નેતૃત્વમાં મંત્રીમંડળની બેઠકમાં કુલ નવ નિર્ણયો લેવામાં આવ્યા છે. દેશમાં ચાર મેડિકલ ડિવાઇસ પાર્ક બનાવવામાં આવશે. આ માટે કેન્દ્રીય કેબિનેટે લઘુતમ માળખાંગત સુવિધા માટે એક હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહક પેકેજને મંજૂરી આપી દીધી છે.  
પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રીય મંત્રી જાવડેકરે જણાવ્યું હતું કે, આ સાથે  કેબિનેટે ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ માટે ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહનોને પણ મંજૂરી આપી દીધી છે. એટલું જ નહીં, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં તમામ પ્રકારની પરીક્ષણ અને યોગ સુવિધાઓ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે 3400 કરોડના ખર્ચે 12  હજાર નવાં કેન્દ્રો બનાવવામાં આવશે. પ્રેસ બ્રાફિંગ સુધી કેબિનેટની બેઠકમાં કોરોના સામે સાવચેતીની ઝલક જોવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દેશમાં ઇલેક્ટ્રોનિક ઘટક પણ બનશે. ઉત્પાદનના ક્લસ્ટરો બનશે. આ માટે ઉત્પાદન પ્રોત્સાહનને મંજૂરી આપવામાં આવી છે.  
શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આર્થિક બાબતોને લગતા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને મનસુખ માંડવીયાએ શનિવારે પત્રકાર પરિષદમાં મંત્રીમંડળના નિર્ણયોની જાણકારી આપી હતી. સરકારે આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોના ઘટકને રાષ્ટ્રીય આયુષ મિશનમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજના (પી.એલ.આઇ.) શરૂ કરી છે. આનાથી ભારતમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચારિંગ અને વિશિષ્ટ ઇલેક્ટ્રોનિક ઘટકોના ક્ષેત્રમાં ઘરેલુ ઉત્પાદનને વેગ મળશે અને ભારતમાં મોટાં રોકાણો આકર્ષિત થશે.  
સરકારે બલ્ક ડ્રગ પાર્કસની પ્રમોશન યોજનાને પણ મંજૂરી આપી દીધી છે. આગામી 5 વર્ષમાં 3000 કરોડ રૂપિયાથી 3 એવા જથ્થાબંધ ડ્રગ પાર્ક બનાવાશે. બલ્ક ડ્રગ પાર્ક યોજનાથી દેશમાં જથ્થાબંધ દવાઓનો ઉત્પાદન ખર્ચ ઘટશે, તેમજ અન્ય દેશો પરનું અવલંબન પણ ઘટશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer