કોરોના : વીમા કંપનીઓ ધંધામાં જનારી નુકસાની ભરપાઈ નહીં કરે

મુંબઈ, તા. 21 : કોરોનાની મહામારીને લીધે વેપાર-ધંધાને જે નુકસાની જશે તેની ભરપાઈ સામાન્ય વીમા કંપનીઓ કરી નહીં આપે. જોકે વીમા કંપનીઓ કોરોના તબીબી સારવાર સંબંધી ખર્ચ જેવા કે ડાગ્નોસ્ટિક ટેસ્ટ્સ, ડોક્ટરના કન્સલટેશન્સ, હોસ્પિટલાઈઝેશન પહેલાં અને પછીનો ખર્ચ તેમ જ એમ્બ્યુલન્સ ખર્ચ સામે વીમા કવચ આપે છે અને આપતી રહેશે.
વીમા કંપનીઓનું કહેવું છે કે, કોરોના વાઇરસને લીધે વેપારીઓને ધંધામાં થતી નુકસાની ભરપાઈ કરવી શક્ય નથી. વર્લ્ડ હૅલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યૂએચઓ)એ કોરોના વાઇરસને મહામારી જાહેર કરી છે અને ભારતે પણ એપિડમિક ઍક્ટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ લાગુ કર્યો છે. તેથી વિદેશમાં માલ પુરવઠાની શૃંખલા તૂટવાથી જે ભારતીય કંપનીઓને નુકસાન થયું હોય તેમને પણ નુકસાની મળી શકે નહીં. 
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના અંડરરાઈટીંગ, ક્લેમ્સ અને રિઈન્સ્યોરન્સના વડા સંજય દત્તાએ કહ્યું કે, ધંધામાં થનારી ઉથલપાથલને કારણે જે નુકસાન જાય તેની સામે ભારતમાં કોઈ વીમા કવચ આવ્યું નથી. મિલકતને નુકસાન થયું હોવાનું બતાવો નહીં ત્યાં સુધી તમને વીમાની રકમ મળે નહીં. તેવી રીતે એવી કોઈ વીમા પોલિસી નથી જે અર્થતંત્રમાં મંદી સામે વીમા કવચ આપે. કોરોના વાઇરસને લીધે વેપાર-ઉદ્યોગો લગભગ બંધ જેવા છે, એ ખરું પરંતુ તેમાં `લોસ ઓફ ઈન્કમ'ને જોડી શકાય નહીં. 
દત્તાએ કહ્યું કે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ આરોગ્ય વીમા પોલિસીમાં કોરોના વાઇરસ માટે વીમાકવચ આપે તેવી સ્કીમ વિચારી રહી છે. જેમાં કોરોના વાઇરસમાં સારવાર દરમિયાન થતાં ખર્ચને આવરી લેવામાં આવશે. અન્ય આરોગ્ય વીમા પોલિસીની સરખામણીએ આમાં વળતર મર્યાદિત હશે. 
દત્તાએ સ્પષ્ટ કર્યું કે, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના હૅલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડકટ્સ કોરોના વાઇરસના કેસમાં હોસ્પિટલાઈઝેશનને ખર્ચ આપે છે. કંપની દ્વારા સૂચિત વીમા પોલિસીની વિશેષતા એ હશે કે પોલિસીધારકે  અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાસ કર્યો હોય તો પણ તેને વળતર આપવામાં આવશે. અત્યારની કોરોના વાઇરસ સંબંધિત પોલિસીઓમાં એક શરત છે કે ગ્રાહકોનો ચીન, જપાન, સિંગાપોર, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, મલેશિયા, હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, ઈટલી, ઈરાન, કુવૈત અને બહારીનનો પ્રવાસ પહેલી ડિસેમ્બર પછી કર્યો હોય તો તેને વીમા કવર મળે નહીં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer