અૉટોમોબાઈલ ઉદ્યોગના પચીસ હજાર કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે

મુંબઈ, તા. 21 : કોવિદ-19નો ફેલાવો વધે નહીં તે માટે અૉટો મોબાઈલ ઉદ્યોગના લગભગ પચીસ હજાર જેટલા કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. 
આવું કામ કરનારાઓમાં મુખ્યત્વે અૉફિસ કામ કરનારાઓ છે. ફ્ઁક્ટરીમાં કામ કરનારા અત્યંત સુરક્ષિત વાતાવરણમાં કામ કરી રહ્યા છે. વાહનોના બીએસ-4 એન્જિનનું બીએસ-6માં સંક્રમણ એપ્રિલથી થઈ રહ્યું હોવાથી ફેક્ટરી કામગારોએ નાછૂટકે કામ ઉપર આવું પડે છે. 
સૌ પ્રથમ તાતા મોટર્સે ગયા અઠવાડિયે 3000 કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું હતું. ત્યારબાદ મહિન્દ્ર ગ્રુપે તેના અૉટોમોટિવ અને કૃષિ વિભાગના 7000 કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું. ફોક્સવેગને તેના 200 કર્મચારીઓને, ફિઆટે 300 અને તાતા મોટર્સ-ફિઆટ ઇન્ડિયા અૉટોમોટિવ પ્રા.લિ.ની સંયુક્તસાહસના 1000 કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. રેનોલ્ટે તેના 150 કર્મચારીઓ, એમજીએ તેના 100 એક્ઝિક્યુટિવ્સ અને વોલ્વો કાર્સ ઇન્ડિયાએ તેના 40 એક્ઝિક્યુટિવને ઘરેથી કામ કરવા કહ્યું છે. જોકે, ઘરેથી કામ કરનારા સૌથી વધુ 1500 કર્મચારીઓ યુએસ કાર કંપની ફોર્ડના બિઝનેસ સર્વિસ ડિવિઝનના છે. 
મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર, હોન્ડા કાર્સ ઇન્ડિયા, ટોયોટા કિર્લોસકર, કિઆ મોટર્સે પણ સુરક્ષાના પગલાં લીધા છે. એફસીએ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મૅનેજિંગ ડિરેક્ટર પાર્થ દત્તાએ કહ્યું કે, કંપનીએ 50 ટકાથી પણ વધુ સ્ટાફને 31 માર્ચ સુધી ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. 
સ્કોડા અૉટો ફોક્સવેગન ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, પ્રવાસ ઉપર નિયંત્રણ મુકવા ઉપરાંત જે કર્મચારીઓ વિદેશથી આવ્યા છે તેમનું કોરેન્ટાઈન પણ કરવામાં આવી રહ્યું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer