કોરોના વાઇરસનો ઉપદ્રવ : કચ્છીઓને વતનમાં બે માસ ગાળવાની તક

રેલવેએ કચ્છને દુરન્તો જેવી ટ્રેન ફાળવવી જોઈએ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : અહીં કોરોના વાઇરસનો ઉપદ્રવ છે ત્યારે કચ્છીઓ બે મહિના વતનમાં જઈને વસવાટ કરે એ હિતાવહ છે. વળી, કચ્છમાં આ વરસે ઘણો અનુકૂળ માહોલ છે.
કચ્છ જળ અભિયાનના કન્વીનર કિશોર ચંદને જણાવ્યું હતું કે કોરોનાનો ઉપદ્રવ વૈશ્વિક છે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૂકી આબોહવા છે. ઉષ્ણતામાન ઊંચું છે. કચ્છમાં વસતિ ઓછી છે એટલે ગીચતા ઓછી છે. આ બધી બાબતો કોરોના વાઇરસને ફેલાવાની વિરુદ્ધમાં છે.
બીજું એ કે ગયા વર્ષે સારો વરસાદ પડવાથી ઘાસચારાની ખેંચ નથી. દૂધ-શાકની અછત નથી, કોરોના વાઇરસના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને ઘણી બહારગામ જતી ટ્રેનો કેન્સલ કરી છે પણ કચ્છ જતી ટ્રેનોમાં પૂરતો ટ્રાફિક હોવાથી એક પણ ટ્રેન રદ થઈ નથી.
ગરમીની મોસમ હોવા છતાં વધુ એકથી દોઢ લાખ લોકો કચ્છમાં જવા ઉત્સુક છે. રેલવેની સુવિધા મળી રહે તો કચ્છીઓને વતનમાં મહાલવા મળશે. આ પરિસ્થિતિ કચ્છ અને મુંબઈ બંને માટે સારી ગણાવી શકાય. ખરેખર તો રેલવે તંત્રે દુરન્તો જેવી ટ્રેન કચ્છને ફાળવવી જોઈએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer