મુંબઈ, પુણેથી કામદારોની મોટા પાયે હિજરત

મુંબઈ, તા. 21 : રાજ્ય સરકારે શનિવારથી 31મી માર્ચ સુધી તમામ વેપાર ધંધા અને ખાનગી કંપનીઓને સંપૂર્ણ બંધ કરવાનો આદેશ આપવાને પગલે મુંબઈ અને પુણેથી હજારોની સંખ્યામાં કામદારો હિજરત કરી રહ્યા છે. મુખ્યત્વે બિનસંગઠિત ક્ષેત્રના કામદારો, અૉટોરિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકોએ ઘરે પરત ફરવા માટે રેલવે ટિકિટ કાઉન્ટર્સ ઉપર ભીડ જમાવી હતી. 
સરકારે લોકોને મકાનની અંદર રહેવા માટે આપેલી સલાહથી તદ્દન વિપરીત લોકોએ આવી ભીડ જમાવતા સરકારી સ્વાસ્થ્ય અધિકારીઓને વાઇરસની અન્ય રાજ્ય કે દેશમાં પ્રસરણની ચિંતા સર્જાય તેમ છે. પુણે અને મુંબઈમાં ઈન્ટર-સીટી સ્ટેશનોનાં ટિકિટ કાઉન્ટર્સ ઉપર પોતાના ઘર તરફ જતી ટ્રેન પકડવા લોકોની લાંબી કતારો જોવા મળે છે.
કુર્લામાં મહાનગરપાલિકાના મેડિકલ અૉફિસર ડૉ. જીતેન્દ્ર જાધવે કહ્યું કે શુક્રવારે સવારે લોકમાન્ય તિળક ટર્મિનસ ઉપર વિશાળ ટોળું જામ્યું હતું. રેલવે પોલીસે એપિડેમિક ઍક્ટ હેઠળ આ ટોળાને વિખેરવું પડયું હતું. 2011ની વસ્તી ગણતરી મુજબ મુંબઈ શહેર, મુંબઈ સબર્બ અને થાણેમાં કુલ 46.44 લાખ અન્ય રાજ્યમાંથી આવેલા અને 43.44 લાખ રાજ્યના અન્ય વિસ્તારોમાંથી આવેલા પરપ્રાંતીયો છે. 
સેન્ટ્રલ રેલવેએ જણાવ્યા મુજબ તે આ ભીડ ઓછી કરવા માટે પૂર્વ અને ઉત્તર ભારત જતી 15 સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહી છે. પુણેમાં લખનઉ એક્સ્પ્રેસ, જમ્મુ તાવી ઝેલમ એક્સ્પ્રેસ અને પટના દાનાપુર એક્સ્પ્રેસ જેવી ટ્રેનો માટે ભારે ભીડ છે. પુણે રેલવે ડિવિઝનના પ્રવક્તા મનોજ ઝાવરે કહ્યું કે આવનારા દિવસોમાં એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer