હૉમ કવોરન્ટાઈનમાં મુકાયેલા લોકો છૂટા ફરી રહ્યા છે, કોઈ કેસ નોંધાયો નથી

મુંબઈ, તા. 21 : હૉમ કવોરન્ટાઈન સ્ટેમ્પ અને પોલીસ કાર્યવાહીની પરવા કર્યા વિના તાજેતરમાં વિદેશ પ્રવાસનો ઇતિહાસ ધરાવનારા ઘણાં લોકો ઘરની બહાર ફરી રહ્યા છે.
મુલુન્ડના રુનવાલ ટાવર્સ ખાતે 17 માર્ચના ઇંગ્લૅન્ડ અને અમેરિકાથી પાછા ફરેલા ત્રણ વિદ્યાર્થીઓને 14 દિવસ માટે હૉમ કવોરન્ટાઈનમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ સોસાયટીના પદાધિકારીઓની વારંવારની ચેતવણી છતાં તેમણે ઘરની અંદર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો આને કારણે લોકોએ સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચાને હસ્તક્ષેપ કરવાની ફરજ પાડી હતી. કોટેચાએ જણાવ્યું હતું કે, તેમણે આ બાબતની મુલુન્ડ પોલીસ અને બીએમસીને જાણ કરી હતી.
તેમણે આ ત્રણ વિદ્યાર્થીઓ સામે અન્યોની જિંદગી જોખમમાં મૂકવા બદલ કેસ નોંધવા જણાવ્યું હતું.
``પોલીસ અને બીએમસીએ તેમને ચેતવણી આપી છે, પરંતુ જો તેઓ ફરીથી હૉમ કવોરન્ટાઈનનો ઉલ્લંઘન કરશે તો તેમની સામે કેસ નોંધવામાં આવશે.''
આવા જ એક બનાવ વિષે અંધેરી (પશ્ચિમ)ના વિધાનસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે, 16 માર્ચના લંડનથી પાછો ફરેલો 40 વર્ષનો એક રહેવાસી બીજા દિવસથી જ એ વિસ્તારમાં ફરતો થઈ ગયો હતો.
સાટમે જણાવ્યું હતું કે, તેમણે આ બાબતમાં બીએમસીને સાવધ કરી છે અને રહેવાસીઓને કવોરન્ટાઈનમાં મૂકવામાં આવેલા લોકો પર નજર રાખવા જણાવ્યું છે.
``કવોરન્ટાઈન નિયમોનો ભંગ કરનારાઓ સામે ઝીરો ટોલરન્સ રાખવી જોઈએ. તેમની સામે કેસ નોંધવો જોઈએ અને કડક સંદેશ પાઠવવો જોઈએ.'' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અગાઉ આ સપ્તાહમાં ગૃહપ્રધાન અનીલ દેશમુખે જણાવ્યું હતું કે, જે લોકો ફરજિયાત કવોરન્ટાઈન અવધિનો ભંગ કરે છે તેમની સામે એપિડેમિક ડીસીઝીસ ઍક્ટ 1897 હેઠળ કાર્યવાહી કરવાનું પોલીસને જણાવી દેવામાં આવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આવા લોકો સામે આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોધવાની પોલીસને સત્તા છે.
ગુરુવારે એક બેઠકમાં બીએમસીના કમિશનર પ્રવિણ પરદેશીએ જણાવ્યું હતું કે, તેમણે કવોરન્ટાઈન હેઠળ મુકાયેલા લોકોની હિલચાલ પર જીપીએસ દ્વારા નજર રાખવા તેમના મોબાઈલ નંબર પોલીસને આપવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે.
જોકે, અત્યાર સુધીમાં આવી કોઈ પણ વ્યક્તિ સામે કેસ કરવામાં આવ્યો નથી.
મુંબઈ પોલીસના પ્રવક્તા પ્રણય અશોકે જણાવ્યું હતું કે, આવા લોકો સામે કેસ ત્યારે જ થઈ શકે જ્યારે બીએમસી એ અંગેનો રિપોર્ટ આપે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer